જાફરાબાદ તાલુકાના ફાચરિયા ગામના વાડી વિસ્તારમાં એક કૂવામાં એક વ્યક્તિ ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. અમરેલી ડિઝાસ્ટર કંટ્રોલ સેલ તરફથી આ અંગેની ટેલિફોનિક માહિતી ફાયર કંટ્રોલરૂમને આપવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર સ્ટાફના સભ્યો પ્રવીણભાઈ ચૌહાણ, કૃષ્ણભાઈ ઓળકિયા, મિલનભાઈ ગાંભવા, ભગવતસિંહ ગોહિલ અને સવજીભાઈ ડાભીએ પોતાની સૂઝબૂઝ અને અનુભવનો ઉપયોગ કરીને ઊંડા કૂવામાંથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે ભારે જહેમત બાદ ડૂબી ગયેલા વ્યક્તિના મૃતદેહને બહાર કાઢ્યો હતો.તપાસ દરમિયાન મૃતકની ઓળખ મનસુખભાઈ લાખાભાઇ જાદવ (રહે. વડવીયાળા) તરીકે થઈ છે. ફાયર વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો છે.