ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામ પાસે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક ૧૬ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. આ અકસ્માત ટુ-વ્હીલ અને ફોર-વ્હીલ વચ્ચે થયો હતો. ઉના તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે ટુ-વ્હીલ ચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાવહ હતી કે ટુ-વ્હીલ ચાલક ધર્મેશભાઈ પુંજાભાઈ પરમાર (ઉંમર ૧૬ વર્ષ, રહે. નાગેશ્રી)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા જ નાગેશ્રી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટના અંગે નાગેશ્રી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.