જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામમાં બે સિંહોએ ગાયનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ગામની શેરીમાં બે સિંહો શિકારની શોધમાં પ્રવેશ્યા હતા. સિંહોની ડણક સાંભળીને ગામના કૂતરાઓ જીવ બચાવવા ભાગી ગયા હતા. જોકે, એક ગાય સિંહોની નજરે પડતાં સિંહોએ તેનો શિકાર કરવાનો પ્રયાસ કરતા ગાય ભાગી ગઇ હતી. જે દરમિયાન વરસાદને કારણે રસ્તા પર પાણી અને ચીકાશ હોવાથી ગાય લપસી પડી હતી. લપસી હોવા છતાં ગાય મોતથી બચવા ફરીથી ઉભી થઇને ભાગી ગઇ હતી. જોકે, થોડી જ ક્ષણોમાં ફરીથી ગાય પરત આવતાં બંને ડાલામથ્થાઓએ ગાયને ઘેરી હતી. ગાયે થોડી વાર સુધી સિંહો સામે લડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને સિંહોએ તેને ઘેરી લીધી હતી અને તરાપ મારીને શિકાર કર્યો હતો.