અમરેલી જિલ્લામાં અકસ્માતની વધુ બે ઘટના બની હતી. જેમાં એકનું મોત અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જાફરાબાદ તાલુકાના છેલણા ગામે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં રોંગ સાઇડ પર પૂરઝડપે આવેલા એક ટેન્કર ટ્રકે સાયકલ પર જઈ રહેલા એક વૃદ્ધને ટક્કર મારી તેમનો ભોગ લીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, મનુભાઇ નારણભાઇ સુપા (ઉ.વ.૩૬)ના પિતા નારણભાઈ નાજાભાઈ સુપા, ઘરેથી નીકળીને તેમણે ભાગમાં રાખેલી વાલજીભાઈ ભગવાનભાઈ પટેલની વાડી તરફ સાયકલ લઈને ઘાસચારો લેવા જઈ રહ્યા હતા. નારણભાઈ છેલણા ગામના BPL વિસ્તાર પાસેના હાઇવે રોડ પર પહોંચ્યા. તે સમયે, એગ્રો કંપનીનું પાણીના ટેન્કર ટ્રક (રજી. નં. MP-૦૯-GF-૬૦૧૯) ના ચાલકે પોતાનો ટ્રક પૂરઝડપે અને માણસની જિંદગી જોખમાય તે રીતે રોંગ સાઇડમાં હંકારી લાવી નારણભાઈ સુપા સાથે જોરદાર અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં નારણભાઈ સુપાને માથાના ભાગે તથા છાતીના ભાગે નાની-મોટી ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતનો બીજો બનાવ બાબરા પંથકમાં બન્યો હતો. બાબરામાં ભાવનગર-રાજકોટ હાઇવે મધુરમ હોટલ પાસે GJ-૧૪-E-૬૪૮૯ નંબરની કારના ચાલકે કરીયાણા ગામના ધુધાભાઇ સુરાભાઇ સાનિયા (ઉ.વ.૪૦)ની ભાર રીક્ષાને ટક્કર મારી હતી. જેના કારણે પડી જતાં ગંભીર ઈજા પહોંચી હતી.