જાફરાબાદ શહેરના ગિરિરાજ ચોક વિસ્તારમાં સવારના સમયે શાકભાજીની હરાજીને કારણે સર્જાતી ગંભીર ટ્રાફિક સમસ્યા અંગે સ્થાનિક એડવોકેટ શૈલેષ વઢવાણા દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોને કારણે નાના ઉંચાણીયા કે મોટા ઉંચાણીયા વિસ્તારમાં એમ્બ્યુલન્સ કે અન્ય ફોર-વ્હીલ વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે, જેના કારણે કોઈ આકસ્મિક બનાવ કે દુર્ઘટના સર્જાય તો ગંભીર પરિણામો આવી શકે છે. એડવોકેટ વઢવાણાએ જણાવ્યું હતું કે, આ અંગે જાફરાબાદ પોલીસને અનેક વખત વીડિયો અને ફોટોગ્રાફ્‌સ દ્વારા વોટ્‌સએપ મીડિયા મારફતે રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, શું પોલીસ કોઈ મોટો અકસ્માત સર્જાયા બાદ જ પગલાં લેશે?