જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામમાં આજે સાંજના સમયે સિંહણ એક વાડી વિસ્તારમાંથી સાત વર્ષની બાળકીને જડબામાં ઝકડીને દુર લઇ ગઇ હતી. જેની જાણ પરિવારજનોએ વન વિભાગને કરતાં વન વિભાગની ટીમ સાથે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વન વિભાગની ટીમ સાથે ધારાસભ્ય અને આખા ગામ દ્વારા બાળકીની શોધખોળ કરવામાં આવી હતી. જેમાં બાળકીના શરીરના કેટલાક અંગો મળી આવ્યા હતા. જોકે, બાળકીના ઘણા અંગો હજી મળ્યા નથી. હાલ વન વિભાગ બાળકીના અંગોની શોધખોળ કરી રહ્યું છે. વન વિભાગે સિંહણને પાંજરે પુરવા માટે રાતથી જ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત આખી મેગા ઓપરેશન હાથ ધર્યા બાદ વહેલી સવારે સિંહણને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી હતી.

બાળકીના પરિવારજનોને સહાય આપવામાં આવી
મૃતક કીર્તિનો સિંહણ દ્વારા શિકાર કર્યા બાદ વન વિભાગ દ્વારા પંચરોજ કામગીરી કર્યા બાદ મૃતકના પરિવારના નિવેદનો લીધા બાદ રાજય સરકારના નિયમ પ્રમાણે રૂ.૫ લાખનો ચેક મૃતકના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે ૫ લાખનો ચેક અર્પણ કરવામા આવ્યો હતો.