વડાપ્રધાન શિગેરુ ઈશિબાની ગઠબંધન સરકાર રવિવારે જાપાનની નિર્ણાયક સંસદીય ચૂંટણીમાં નીચલા ગૃહમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી હતી. સરકારી ન્યૂઝ ચેનલ અનુસાર, વડા પ્રધાન શિગેરુ ઇશિબાની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી ૪૬૫ બેઠકો ધરાવતા નીચલા ગૃહમાં માત્ર ૨૦૯ બેઠકો જીતી શકી હતી, જે બહુમતીના આંકડાથી ૨૪ ઓછી છે. ગત વખતે ઈશિબાની પાર્ટીએ ૨૭૯ સીટો જીતી હતી.
જાણકારી અનુસાર ઈશિબાએ ટીવી ટોક્યોને જણાવ્યું કે, આ ચૂંટણી ઘણી મુશ્કેલ હતી. જા કે ૨૦ બેઠકોના પરિણામ આવવાના બાકી છે, પરંતુ તેના પરિણામોમાં કોઈ ફરક પડશે નહીં. બહુમતી ગુમાવવાથી સરકારમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ઈશિબા માટે પક્ષની નીતિઓને સંસદમાં પસાર કરાવવી મુશ્કેલ બનશે.
પીએમ ઈશીબાને હવે નવા ગઠબંધન ભાગીદારો શોધવાની જરૂર પડશે. મુખ્ય વિપક્ષી પાર્ટી સીડીપીજેએ ૧૪૩ સીટો પર જીત મેળવી છે. વિશ્લેષકોના મતે મોંઘવારી અને ભ્રષ્ટાચારના કારણે મતદારોએ પીએમ ઈશિબાની પાર્ટીને નકારી કાઢી હતી. “આ અંત નથી, પરંતુ શરૂઆત છે,” સીડીપીજે નેતા યોશિહિકો નોડાએ કહ્યું.