એશિયાના સૌથી વિકસિત દેશ જોપાનની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના જ્ઞાનમાં પાછળ છે. દાયકાઓ સુધી જોપાન અંગ્રેજી અનુવાદકો માટે પશ્ચિમી દેશો પર નિર્ભર રહ્યું. જોપાનમાં ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ અંગ્રેજી પ્રત્યે ઉત્સુક રહ્યા. આ વચ્ચે સરકારે ૨૦૧૮માં સ્કૂલોમાં અંગ્રેજી પર વિશેષ ભાર મૂક્યો.
જોપાની શિક્ષણ મંત્રાલયના
હાલના સરવેમાં અંગ્રેજીમાં કુશળતાને લઇને ચોંકાવનારા પરિણામો મળ્યા છે. સરવે અનુસાર ધો.૧૦માં ૪૭% વિદ્યાર્થીઓ જ વ્યાવહારિક અંગ્રેજીમાં પરીક્ષા પાસ કરીને પ્રમાણપત્ર મેળવી શક્યા છે. ધો.૧૨ના માત્ર ૪૬% વિદ્યાર્થીઓ જ અંગ્રેજી પરીક્ષા પાસ કરવા માટે લાયક છે. જોપાન સરકારે વર્ષ ૨૦૨૨ સુધી ૫૦% વિદ્યાર્થીઓમાં અંગ્રેજીના બોલચાલમાં ઉપયોગનો લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું.
૨૦૧૮માં બનાવાયેલી યોજનામાં જોપાન સરકારને વૈશ્વિક સ્તરના કર્મચારીઓ તૈયાર કરવાની મંજૂરી કેબિનેટ દ્વારા મળી. મંજૂરી મળ્યા બાદ જોપાન સરકારે ઓછામાં ઓછા ૫૦% વિદ્યાર્થીઓને યુરોપના માપદંડ અનુસાર અંગ્રેજીમાં નિપુણ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું.
યુરોપની માપદંડ સિસ્ટમ એક છ સ્તરની રચના છે જેનાથી ધો. ૧૦ અને૧૨ના વિદ્યાર્થીઓની અંગ્રેજીમાં નિપુણતાને ચકાસવામાં આવે છે. જો કે, ગત સરવેની તુલનામાં આ આંકડાઓમાં સુધારો થઇ રહ્યો છે. ધો.૧૦ના આંકડાઓમાં ૩% તેમજ ધો.૧૨ના આંકડાઓમાં ૨.૫%નો વધારો થયો છે. જોપાન સરકાર અંગ્રેજી અનુવાદકો પરની નિર્ભરતાને ઘટાડવા માંગે છે.
સરવેમાં અંગ્રેજી શીખવતા લોકોની ક્ષમતાનું પણ આકલન કરાયું. ધો.૧૦ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોમાંથી ૪૧% જ યુરોપિયન માપદંડો અનુસાર અંગ્રેજી પરીક્ષામાં પાસ થઇ શક્યા. ધો.૧૨ના વિદ્યાર્થીઓને ભણાવતા ૭૫% શિક્ષકો પરીક્ષામાં પાસ થયા.