જેનુ નામે એક છોકરી. નાનકડી ને નમણી. સુંદર અને ચુલબુલી. એક વખત એ રસ્તે જઈ રહી હતી. અચાનક તેની નજર રસ્તામાં પડેલી પેન્સિલ પર પડી. પેન્સિલ ચમકી રહી હતી. ચમકતી પેન્સિલ જોઈ જેનુને નવાઈ લાગી. તેને પેન્સિલ ગમી ગઈ. તેણે પેન્સિલ લેવા હાથ લંબાવ્યો. જેવો એણે હાથ લંબાવ્યો પેન્સિલ કૂદવા ને હસવા લાગી. પેન્સિલ બોલી, “હલ્લો ડીઅર ફ્રેન્ડ જેનુ! હાઉ આર યુ?”
પેન્સિલનો અવાજ સાંભળી જેનુને અચરજ થયું. તેણે પેન્સિલને કહ્યું, “આઈ એમ ફાઇન! એન્ડ હાઉ આર યુ! તું મારી દોસ્ત બનીશ? મને તારી સાથે દોસ્તી કરવી ગમશે.”
જેનુની વાત સાંભળી પેન્સિલ રાજીરાજી થતાં બોલી, “હા હા જેનુ! મને પણ તારી સાથે દોસ્તી કરવી ગમશે. આ જોને, કેટલાય દિવસોથી હું આમ રસ્તા વચ્ચે પડી રહી છું. ઠંડીમાં ઠરીને ઠુસ થઈ ગઈ છું. મને પણ તારી સાથે આવવું ગમશે. તું મને તારી સાથે લઈ જા.”
પોતાને એક નવી દોસ્ત મળતાં જેનુ રાજીરાજી થઈ ગઈ. એણે પેન્સિલને લઈ લીધી ને ધીમેથી એના દફતરમાં મૂકી દીધી. જેનુને એક નવી દોસ્ત મળી ગઈ હતી. તે ઝડપથી ઘરે પહોંચી. દફતર ખોલ્યું. દફતરમાંથી ઝગમગ ઝગમગ અજવાળું આવી રહ્યું હતું. તેણે હળવેકથી પેન્સિલને બહાર કાઢી. એણે એનું નામ પીકુ પાડ્યું. પોતાનું મસ્ત મજાનું નામ સાંભળી પીકુ હરખાઈ ગઈ.
જેનુએ હોમવર્ક કરવાનું વિચાર્યું. એણે પીકુને કહ્યું, “પીકુ, તું થોડો ટાઈમ બેસ. હું જરા મારું હોમવર્ક કરી લઉં.”
પીકુ હસી અને બોલી, “હોમવર્ક! એમાં હું તને જરૂર મદદરૂપ થઈશ. મને કહે તો ખરી તારે શું કરવાનું છે?”
“અરે વાહ પીકુ! તું ખરી દોસ્ત હોં! મારે એક સરસ મજાનું ચિત્ર દોરવાનું છે.”
“ચિત્ર દોરવાનું છે એમને! તો ચાલ, કરી લે તૈયારી ને થઈ જા તૈયાર.”
જેનુને નવાઈ લાગી. આખરે પીકુ શું કરવાની છે, એ વિચારે તે રોમાંચિત થઈ ગઈ.
“તું મને હાથમાં પકડ ને કાગળ પર મૂક. પછી તારે જે ચિત્ર દોરવું હોય તે મને કહે. અને પછી જો આ પીકુનો જાદુઈ કમાલ !”
હવે જેનુ પણ આતુર હતી. એણે પીકુને હાથમાં પકડીને કાગળ પર મૂકી. અને એને જે ચિત્ર દોરવું હતું તે પીકુને કહ્યું. જેવું જેનુએ કહ્યું, પીકુ તો ચલ પડી. પીકુ કાગળ પર સરરર સરરર ફરવા માંડી. ઘડીભરમાં સુંદર મજાનું ચિત્ર દોરીને તૈયાર કરી દીધું. આ જોઈ જેનુને ભારે અચરજ થયું. જેનુ જે કહેતી તે કામ એ પળભરમાં કરી આપતી. સરસ પણ અને સુંદર પણ. જેનુને હવે પીકુ નામે એક જાદુઈ મિત્ર એવી પેન્સિલ મળી ગઈ હતી. હવે જેનુના દરેક કામમાં પીકુ એની સાથે હતી. જેનુ કી પીકુ… ચલતી જાય… ચલતી જાય…!
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭