હેમા કમિટીના રિપોર્ટ બાદ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચકચાર મચી ગઈ છે. અત્યાર સુધી અનેક સેલિબ્રિટીઓ પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે. હવે વધુ એક અભિનેતાની પોલીસે ધરપકડ કરી છે. મલયાલમ ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા બાલાની આજે સવારે ધરપકડ કરવામાં આવી છે. તેમજ અભિનેતાના મેનેજર રાજેશ અને અનંત કૃષ્ણનની અટકાયત કરવામાં આવી છે.
થોડા દિવસો પહેલા એક્ટર બાલાની દીકરીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના પિતા પર માનસિક અને શારીરિક યાતનાનો આરોપ લગાવ્યો હતો, જેના પછી પોલીસે અભિનેતાની ધરપકડ કરી હતી. સ્ત્રોત્વનું અપમાન કરવા બદલ જેજે એક્ટ અને બિનજામીનપાત્ર કલમ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે.
સૂત્રો પ્રમાણે, થોડા સમય પહેલા મલયાલમ એક્ટર બાલા પર તેની પૂર્વ પત્ની અમૃતા સુરેશ દ્વારા ઘરેલુ હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અમૃતાએ કહ્યું કે તેના પતિની હિંસા અને મારપીટને કારણે તેને આંતરિક રક્તસ્રાવ થયો હતો, જેના માટે તેણે સતત સારવાર લેવી પડી હતી. તેને કહ્યું કે આ ઘટના પછી તે સતત આઘાતમાંથી પસાર થઈ રહી છે. બાલાના પૂર્વ ડ્રાઈવરે એક વીડિયો પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી. ડ્રાઈવરે કહ્યું કે તેણે પોતે બાલાને અમૃતા સાથે ખરાબ વર્તન કરતા જાયા છે.
એક્ટર બાલાની પૂર્વ પત્ની વિરૂદ્ધ કેસ થયા બાદ પણ આ મામલો અહીં અટક્યો નથી. અભિનેતાની પુત્રીએ સોશિયલ મીડિયા પર શારીરિક શોષણનો આરોપ મૂકતી પોસ્ટ શેર કરી હતી. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે અભિનેતાએ ફેસબુક લાઈવ કર્યું અને તેના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. બાલાએ કહ્યું, ‘ઓછામાં ઓછું તમે મને તમારા પિતા તરીકે સ્વીકાર્યો. આ માટે તમારો આભાર. જાકે, અભિનેતાએ તેમની પુત્રી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. બાલાએ ફેસબુક લાઈવમાં કહ્યું હતું કે, તેણે ક્યારેય તેની પુત્રીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો નથી. તેણે કહ્યું હતું કે, ‘આ મારા જીવનનો સૌથી પીડાદાયક અનુભવ છે પરંતુ તેમ છતાં હું તમારી સાથે દલીલ નહીં કરું. જે પિતા તેની પુત્રી સાથે દલીલ કરે છે તે માણસ નથી.
હવે પોલીસે અભિનેતા બાલાની પૂર્વ પત્ની અને પુત્રીના આરોપો અને ફરિયાદ બાદ તેની ધરપકડ કરી છે. બાલા સિવાય તેના મેનેજર રાજેશ અને અનંત કૃષ્ણનને પણ કોચીમાં અભિનેતાના ઘરેથી અટકાયતમાં લેવામાં આવ્યા છે.
બીજી તરફ કદવાંતરા પોલીસનું કહેવું છે કે તેમને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અહેવાલો અનુસાર, તાજેતરમાં એક કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં ૩ લોકોને શંકાસ્પદ તરીકે નામ આપવામાં આવ્યા હતા. ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે બાલાનું નામ આપવામાં આવ્યું છે. બીજા આરોપી મેનેજર રાજેશ છે અને ત્રીજા આરોપી ફિલ્મ ફેક્ટરીના સ્થાપક અનંત કૃષ્ણન છે.