જનતા દળ (સેક્યુલર)ના ધારાસભ્ય એચડી રેવન્ના, તેમના પુત્ર અને હસનના સાંસદ પ્રજ્જવલ રેવન્નાને મંગળવારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી. આ નોટિસ કથિત જાતીય સતામણીના કેસમાં જારી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેને તપાસ માટે એસઆઇટી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
હકીકતમાં, રેવન્નાના ઘરમાં કામ કરતી એક મહિલાની ફરિયાદ પર રવિવારે હાસન જિલ્લાના હોલેનરસીપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પિતા અને પુત્ર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ જાતીય સતામણી,પીછો કરવો,ધમકાવવી અને મહિલાની નમ્રતાનું અપમાન હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઘણા વીડિયો વાયરલ થયા પછી, પ્રજ્જવલ રેવન્ના સાથે સંકળાયેલા કથિત સેક્સ સ્કેન્ડલની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. તપાસની જવાબદારી ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના એડિશનલ ડાયરેક્ટર જનરલ આૅફ પોલીસ (એડીજી) બીકે સિંહને સોંપવામાં આવી હતી.
દરમિયાન, સમાચાર છે કે પ્રજ્જવલ રેવન્ના દેશમાં નથી. કહેવામાં આવી રહ્યું છે કે ૨૬ એપ્રિલે કર્ણાટકમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા બાદ તેઓ વિદેશ ગયા હતા. પ્રજ્જવલ રેવન્ના હાસન લોકસભા મતવિસ્તારમાંથી ભાજપ જેડીએસ ગઠબંધનના ઉમેદવાર છે.