રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાના ભૂતપૂર્વ વડા અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને કુસ્તીબાજાની કથિત જાતીય સતામણીના સંબંધમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિવસ માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. હવે આ કેસની આગામી સુનાવણી ૨૦ જુલાઈએ થશે.
દિલ્હી પોલીસે ૧૫ જૂને રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. બ્રિજ ભૂષણ ઉપરાંત રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમરનું નામ પણ આરોપીઓમાં સામેલ છે. મહિલા રેસલર્સે આ બંને સામે જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો છે.
દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી લગભગ ૧૦૦૦ પાનાની ચાર્જશીટમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪, ૩૫૪એ, ૩૫૪ડીનો ઉપયોગ કર્યો હતો.આઇપીસીની કલમ ૩૫૪માં મહત્તમ ૫ વર્ષની સજા છે અને તે બિનજામીનપાત્ર કલમ છે. આઇપીસીની કલમ ૩૫૪છમાં મહત્તમ એક વર્ષની સજા છે અને તે જામીનપાત્ર કલમ છે.આઇપીસીની કલમ ૩૫૪ડીમાં મહત્તમ પાંચ વર્ષની સજા છે જ્યારે આ કલમ જામીનપાત્ર કલમ છે.