આપણે ત્યાં નેતાગીરીમાં કેન્દ્રીય, રાજ્યકક્ષા અને સ્થાનિક એમ ત્રણ તબક્કા જાડીધારે પાડી શકાય એટલી સ્પષ્ટતા છે. સ્થાનિકેથી રાજ્યે અને ત્યાંથી કેન્દ્ર ભણી એનો ઉચ્ચતર ગ્રાફ રહે. એમાં એક નવો તબક્કો ધીમે ધીમે ઉમેરાઈ રહ્યો છે એ છે જાતિ-જ્ઞાતિના નેતાઓ. એવું નથી કે જાતિ-જ્ઞાતિ આધારિત સંગઠનો અને નેતાઓ પહેલા નહોતા, પણ વર્તમાન સમયમાં જે પ્રમાણ અને સ્તર છે એ બંધિયાર પાણીમાં ફૂટી નીકળતી કુંભવેલની કક્ષાનું છે. ડેલીએ ડેલીએ પ્રમુખો બેઠા છે, અને શેરીએ શેરીએ આગેવાનો. સરકારના ફલાણા ફલાણા નિર્ણય કે નીતિથી આપણી જ્ઞાતિને નુકસાન છે અને બીજી જ્ઞાતિને લાભ છે માટે આપણે એની સામે અવાજ ઉઠાવવો પડશે એમ કહીને નેતા થઇ જવાય છે. પોતાની જાતિના કાળાચોરને બચાવવા કે પોદળામાંની જીવાતની કક્ષાના મુદ્દાને લઈને સરકાર કે તંત્ર સામે મોરચા મંડાય છે અને આવા બે-ચાર મોરચાના અંતે ભાદરવાની ગરમીથી થતી બરડાની અળાઈ વલૂરતો જ્ઞાતિનો નેતા સ્થાપિત થાય છે. કોઈને કોઈ પ્રકરણે કે મુદ્દે અન્ય સમાજો સામે પોતાના સમાજનું વજૂદ બતાવવાની એક અત્યંત ધ્રુણાસ્પદ હરીફાઈ ઉભી થઇ ગઈ છે. પોતાની જાતિનું ગૌરવ હોવું એ સારી અને સર્વસ્વીકૃત વાત છે એમાં કોઈને એતરાઝ ના હોઈ શકે પણ એનાથી બીજી જાતિ-જ્ઞાતિના અસ્તિત્વને નકારવાની માનસિકતા તો લોહીથી લોહી ધોવાની એક હિંસક પરંપરા ઉભી કરશે. છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ છીએ કે સમાજના હરેક તબક્કાની વ્યકિત પોતે ફલાણી જ્ઞાતિની કે ઢીંકણા સમાજ કે જાતિ કે જ્ઞાતિની છે એવું બહોળા પ્રમાણમાં પ્રદર્શિત કરી રહી છે. પોતાના વાહનમાં પોતાની જાતિ જ્ઞાતિ કે તેનું લાગતું ચિહ્ન લખાવે છે. હદ તો ત્યાં છે જ્યાં ઈશ્વરીય શક્તિના પણ જ્ઞાતિ આધારિત ભાગલા પાડી દેવાયા છે, આ માતાજી અમારા, પેલા ભગવાનમાં અમે ના માનીએ, આ અમારી જ્ઞાતિનું મંદિર, પેલું તમારું. ભલેને ગંગાસતીએ લખ્યું કે “જાતિ-ભાતિ નહિ મારા હરિના દેશમાં…..” વર્તમાનપત્રો અને ઈલેક્ટ્રોનિક તેમજ સોશ્યલ મીડિયામાં પણ વ્યકિત કે ઘટનાને જ્ઞાતિ સાથે સાંકળીને મજેદાર બનાવીને પીરસવાની અને જેના અક્કલ નામના પ્રદેશમાં ઘાસ પણ નથી ઉગતું એવાને જે તે જ્ઞાતિના હીરો તરીકે વાદવિવાદ કરવા માટે બોલાવવાની પ્રથા થઇ પડી છે. તેનો મનોરોગ સ્પષ્ટ છે, જો તમે આ આ જાતિના છો તો હું તમારી સાથે છું અન્યથા હું તમારી સામે છું. પોતાના હિત માટે સંગઠિત થવાના બદલે અન્યોની સામે સંગઠિત થવાની માનસિકતા વધુ છે.
આવું શા માટે થયું ? કારણો ઘણા છે, થોડાની ચર્ચા કરીએ તો પહેલામાં પહેલી વાત તો આજે જે કાંઈ રાજકીય નિર્ણયો, નીતિઓ ઘડાય છે એમાં કાસ્ટ ફેક્ટર ધ્યાને લેવાય છે. જાતિવાદને રાજકીય સ્પર્શ અને ઉત્તેજને સપાટીની નીચે સૂક્ષ્મ જાતિ-વિગ્રહ પેદા કરી મુક્યો છે. ચૂંટણી પ્રચારમાં ફ્રન્ટફૂટ પર બેટિંગ કરતો નેતા બેકફૂટ પર આવે એટલે જ્ઞાતિ જ્ઞાતિ રમવા માંડે છે. બીજું જે જ્ઞાતિ-જાતિઓ આજદિન સુધી વંચિત કે કચડાયેલી હતી તેનું સારું એવું સામાજિક ઉત્થાન છેલ્લા બે દાયકામાં થયું એટલે એ તર્ક વાજબી છે કે સુખી સંપન્ન અને પ્રગતિશીલ સમાજો સાથે તેનો ટકરાવ સ્વાભાવિક બન્યો છે. જેણે આજદિન તલક આખો ખાધો છે એ બીજાને અડધો આપવા તૈયાર નથી. ત્રીજું તે રાજકીય પક્ષો દ્વારા જ્ઞાતિ આધારિત નેતાગીરીને પ્રોત્સાહન. ચૂંટણીઓ આવતા નેતાઓ જ્ઞાતિ મેળાવડા દ્વારા પ્રજાસંવાદ સાધે છે. જ્ઞાતિ-જાતિના નેતાઓને આવા મેળાવડામાં આગલી હરોળમાં સ્થાન મળે છે એટલે એમની અંદર નેતાગીરીનો કીડો વલવલે એ દેખીતું છે. પછીથી આ લોકો પોતાના રાજકીય ગુરુની દોરવણી હેઠળ જાતિવાદને પોષણ આપે છે. ગુજરાતમાં જાતિ આધારિત ચૂંટણીની વ્યૂહરચનાના ભાગરુપેની ખામ અને પક્ષ થીયરી એનું વરવું દૃષ્ટાંત છે. કોંગ્રેસ પક્ષે કરેલું એ મતવિભાજન માટેનું જ્ઞાતિ વિભાજન આજે ઊંડી જડ ઘાલી ગયું છે. ચોથું એ આપણી જાતિ આધારિત અનામત પ્રથા. આપણી અનામત પ્રથાએ જાતિવાદને અમરત્વ બક્ષ્યું છે. જ્યાં સુધી જાતિ આધારિત અનામત છે ત્યાં સુધી જાતિવાદ રહેવાનો. અનામતે આપેલા ફળોમાં જાતિવાદ પ્રથમ છે. અનામતે ભારતનું ઉભયસુત્રીય અને ક્ષિતિજસુત્રીય વિભાજન કરી નાખ્યું છે. અનામત વંચિતોના વિકાસ માટે વરદાન છે, પણ તેને જાતિવાદના પલડામાં મૂકીને તેનું ખુબ ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. આઝાદી વખતે દેશ વિદેશના ઘણા વિચારકો, નેતાઓએ, વૈશ્વિક સમાજજીવનની અગ્રણી વ્યક્તિઓએ, આઝાદી બાદ ભારત અખંડ રહી શકશે નહિ એવી ભવિષ્યવાણીઓ કરેલી. કહેલું કે આટઆટલા વિરોધાભાસ અને વૈવિધ્ય વચ્ચે મતૈક્ય સાધવું ભારત માટે અસંભવ છે અને થોડા સમયમાં ભારત ટુકડાઓમાં વિભાજીત થઇ જશે. આટલું જાતિ વૈવિધ્ય જે એકબીજાને સન્માન નથી આપતા એ ભારતને ટુકડાઓમાં દોરી જશે. ત્યારે પણ એ ભયસ્થાન હતું અને આજે પણ છે. ભલે સરહદો ના ખેંચાય પણ આપણે માત્ર ભૌગોલિક દૃષ્ટીએ એક છીએ. જાતિવાદ એ ઘણા માંહેનું એક પરિબળ કે કારણ છે જે કોઈપણ દેશમાં રાષ્ટ્રભાવનાને અંકુરિત નથી થવા દેતું. જાતિભાવ રાષ્ટભાવને ગોબો પડે છે. જાતિ માટે કટ્ટર માણસ રાષ્ટ્ર માટે છૂપો ખતરો છે.
આભાર – નિહારીકા રવિયા કારણ કે જ્ઞાતિ, જાતિ, ગામ, પ્રદેશના વાડાની ખેંચતાણ રાષ્ટ્રના સંસ્થીકૃત આદર્શો અને મૂલ્યોનો હÙાસ કરે છે. સપાટી પર દેખાય છે પણ આંતરિક સ્થિરતાનું સ્તર જોઈએ તેટલું ઊંચું હોતું નથી. દેખાતું નથી પણ દેશની દુરોગામી પરિણામો આપવાની ક્ષમતાને નબળી પાડે છે. સડસડાટ જવો જોઈએ એ ગ્રાફમાં ખળભળાટ મચી જાય છે. ઉદ્દેશ અને આદેશ સ્પષ્ટ છે, ધર્મ, રંગ, જાતિ, વર્ણના વાડાઓ ખતમ કરવા પડે. જ્ઞાતિ-જાતિને અપાતી રાજકીય ઓથ ઉઠાવી લેવી પડે. બોલ્ડ નિર્ણયો લેવાના થાય તો લેવાના, હિન્દુસ્તાનની હરેક વિચારશીલ વ્યકિત આ અંગે ચિંતિત છે જ સ્તો. મજબૂત રાજકીય ઈચ્છાશક્તિના લલાટે આ પાવન કર્મ લખાયેલ છે, આઝાદ હિન્દુસ્તાન ગાંધી બાદ બીજા હીરોની રાહ જોઈ રહ્યું છે. ” હું અને મારું એ બધા મનના કારણ પાનબાઈ…..”