ભારતની રાજનીતિમાં આજકાલ જાતિ આધારિત જનગણનાની વિશેષ ચર્ચા થઇ રહી છે. વિપક્ષો દ્વારા જાતિગત જનગણના કરાવવાની માંગ સરકાર સમક્ષ મૂકી છે. દેશમાં કઈ જાતિની વસ્તી કેટલી છે ? એ અંગેની વસતી ગણતરી એટલે જાતિ આધારિત જનગણના એવો સામાન્ય અર્થ કરી શકાય. પુરાતન કાળથી હિંદુ ધર્મ વર્ણ વ્યવસ્થાને અનુસરે છે. ઇસવીસન પૂર્વે એક હજાર વર્ષ પહેલા જ્ઞાતિ વ્યવસ્થા અમલમાં હોવાનું મનાય છે. જ્ઞાતિ શબ્દનો સંસ્કૃત અર્થ વર્ણ થાય છે. વર્ણ એટલે રંગ. જ્ઞાતિ એ હિન્દુઓની એક સમાજ વ્યવસ્થા છે. જ્ઞાતિના ખ્યાલનો કોઈ ચોક્કસ ઉદભવ સમય આપવો મુશ્કેલ છે, વર્તમાન જ્ઞાતિપ્રથા ધીરે ધીરે ખુબ લાંબા કાળક્રમે અને સામાજિક ફેરફારો બાદ અસ્તિત્વમાં આવી છે. શાસ્ત્રો અને પુરાણો અનુસાર જુદા જુદા ચાર વર્ણમાંથી જુદી જુદી જ્ઞાતિઓ ઊતરી આવી છે. જેમના ત્રણ વર્ણનો ઉલ્લેખ ઋગ્વેદમાં અને ચોથા વર્ણનો ઉલ્લેખ ઋગ્વેદના ‘પુરુષસૂક્ત’ માં આવે છે. દુનિયાનો દરેક સમાજ કોઈ ને કોઈ પરિમાણો આધારે વિભાજીત થયેલો હોય જ છે. વર્ણ આધારિત સમાજ વ્યવસ્થા સારી છે કે ખરાબ એ વર્ષોથી વાદ વિવાદનો વિષય રહ્યો છે.
જુના ઘણા સંદર્ભો મળી રહે છે કે પછાત વર્ગોનું સામાજિક વ્યવસ્થાના આધારે ખુબ શોષણ થયું છે. એ હકીકત છે. રાજાશાહી દરમિયાન આ અંગે ખાસ જાગૃતિ આવી હોવાનું જણાતું નથી. અંગ્રેજ શાસન દરમિયાન થોડા સમાજ સુધારકોએ પડકાર આપીને આ અંગે સુધારાઓ લાવવા પ્રયત્નો કર્યા હતા. પણ સદીઓ જૂની વ્યવસ્થા સામે એ પડકારો અત્યંત સુક્ષ્મ કે અપૂરતા હતા. આઝાદી આવી અને આપણે ખુદ આપણા શાસક બન્યા. ઐતિહાસિક અન્યાયની ભૂલને સુધારવા અને જે લોકો સદીઓથી પછાત રહી ગયા હતા તેમને બરાબરીની તક આપવા માટે આઝાદીના એક દશકા બાદ સરકારે સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં સૌથી પછાત વર્ગ માટે હિસ્સો અનામત રાખવાની શરૂઆત કરી. રાજકીય પક્ષોએ આને બીજી રીતે લઇ લીધી. અહીંથી ભારતમાં જાતિ આધારિત રાજકારણ અને વોટબેન્કની શરૂઆત થઇ. બાબાસાહેબે જે ઉદ્દેશ સારું પછાતો માટે અનામતની ભલામણ કરી હતી એ ઉદ્દેશો કોરાણે મુકાઈ ગયા અને જાતિઓને વોટબેંકનો આધાર બનાવીને એક કુત્સિત રાજકારણની શરૂઆત થઇ. પછાત રહી ગયા હતા એ શોષિત વર્ગોને ન્યાય મળવાને બદલે દરેક ચૂંટણી વખતે વચનો મળવા લાગ્યા. એમનું પછાતપણું બે કિલો ચોખા, એકાદ સાડી, સાતસો રૂપિયાનો સરકારી બોન્ડ, સાઇકલ, થોડા ઠામવાસણના ચક્રવ્યુહમાં અટવાઈને જેમનું તેમ રહી ગયું. કયો રાજકીય પક્ષ કઈ જાતિનો પક્ષધર કે હિમાયતી છે એ છડેચોક સાબિત થવા લાગ્યું ત્યાં સુધી આ જાતિ તૃષ્ટિકરણ પ્રસરી ગયું. વંચિત લોકોની સ્થિતિ સુધારવા માટે જે કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હતી તે હવે ઘણા રાજકારણીઓ માટે મત મેળવવાનું સાધન બની ગઈ છે. સ્વતંત્ર ભારતના બંધારણ મુજબ જ્ઞાતિના આધારે લોકોમાં ભેદભાવ રાખવો એ ગુનો છે.
જિસકી જીતની સંખ્યા ભારી, ઉતની ઉનકી હિસ્સેદારી…. આજકાલ આ નારો ઘણી વખત સાંભળવા મળી રહ્યો છે. આ હિસ્સેદારી શેના માટે માંગવામાં આવે છે એ બધાને ખબર છે. આજદિન સુધી જેઓ સત્તામાં હોવા છતાં આ પછાત જ્ઞાતિઓની પીડા પ્રત્યે કેટલા સંવેદનશીલ હતા એ જગ જાહેર છે. જેઓ મિસ ઇન્ડિયા સ્પર્ધામાં જ્ઞાતિ જાતિનું ગણિત બેસાડી રહ્યા છે, આ સ્પર્ધાઓ એમના સત્તાકાળમાં પણ થતી હતી. બ્યુરોક્રેસીમાં પછાતોની સંખ્યા ફંફોસી રહ્યા છે એ જ બ્યુરોક્રેસી એમના વખતમાં પણ હતી. તેમ છતાં જો જાતિ ગણનાનો ઉદ્દેશ પછાતોનો સામુદાયિક ઉદ્ધાર જ હોય તો એમનું સ્વાગત થવું જોઈએ. પણ સદંતર એવું નથી લાગી રહ્યું. બીજી બાજુ બીજો એક વર્ગ ટેક્સ ભરતા વર્ગની પણ જાતિગત ગણતરી કરાવવાની માંગ કરી રહ્યો છે. એમની દલીલ છે કે જો વંચિતોને સંખ્યા આધારે લાભ આપવાનો હોય તો એવા લોકોની જાતિ અને સંખ્યા પણ જાહેર કરવી જોઈએ જેના ટેક્સના પૈસામાંથી આ લાભ આપવામાં આવનારો છે. આપણે એક દોહો ઘણી વખત સંભાળ્યો છે કે “જાતિ ન પૂછો સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવારકા, પડા રહન દો મ્યાન.” આ મુહિમ છેડાયા બાદ દેશ એક જાતિગત આર્થિક સંઘર્ષ તરફ ધકેલાઈ શકે છે. જેમ મંડલ કમીશન લાગુ કરતી વખતે થયું હતું. એક દેશવ્યાપી અસરકારક મુદ્દો, સરકાર વિરુદ્ધ ઉભો કરવામાં નિષ્ફળ રહેલો વિપક્ષ આવો મુદ્દો ઉભો કરવાની શક્યતા તપાસી રહ્યો છે. ભારતીય જનતા પક્ષના છેલ્લી લોકસભાની પહેલાની ચૂંટણીઓમાં હિન્દુત્વની સામે ક્ષેત્રીય સ્તરે હારી ગયેલ જાતિવાદી રાજકારણ ફરીથી પુનર્જીવિત થઇ શકે છે, કારણ કે ગત લોકસભામાં હિન્દી બેલ્ટમાં રામમંદિર નિર્માણ થઇ ચુક્યા બાદ પણ ધાર્યા મુજબનો બહુમત ભારતીય જનતા પક્ષને નહિ મળવાથી આ શક્યતા જીવંત થઇ શકે એવું અન્ય વિપક્ષોને લાગી રહ્યું હોય એ સ્વાભાવિક છે. છેલ્લી લોકસભાના પરિણામો આધારે વિપક્ષો માટે એ ધારી લેવું સ્વાભાવિક છે કે હવે હિન્દુત્વનો મુદ્દો અસરકારક રહ્યો નથી. જાતિગત જનગણના કરાવવા પાછળના ઉદ્દેશો સ્પષ્ટ થવા ખુબ જરૂરી છે. જો એ ઉદ્દેશ ખરેખર વંચિતોનો વિકાસ જ હોય તો આવકારદાયક છે, ગણના થવી જોઈએ. જો જાતિના જથ્થાઓને ઓળખીને રાજનીતિ જ થવાની હોય, કોઈ રાજનીતિક પક્ષના અસ્તિત્વને ટકાવવાનો મુદ્દો માત્ર હોય, કે એક યા બીજા સ્વરૂપે એ જાતિઓનું તૃષ્ટિકરણ થવાનું હોય તો તેનાથી બચવાની જરૂર છે.
ક્વિક નોટ — ગુજરાતમાં અઢાર વરણ જેવો શબ્દપ્રયોગ થાય છે. આ અઢાર વર્ણોમાં મૂળ ચાર પરંપરાગત વર્ણો અને બીજા નવ નારુ અને પાંચ કારુનો સમાવેશ થાય છે. ‘ભગવદ્ગોમંડલ’માં નવ નારુ અને પાંચ કારુની યાદી આપવામાં આવી છે.
ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે, “ચાતુર્વણ્ય્ મયા સૃષ્ટા ગુણકર્મ વિભાગશઃ”
અર્થાત, ગુણ અને કર્મ પ્રમાણે મેં સ્વયં ચાર વર્ણોની વ્યવસ્થાવાળી આ સૃષ્ટિ રચી છે.