જા તમે વિચારી રહ્યા છો કે કોરોના આપણા જીવનથી દૂર થઇ ગયો છે તો તમે આ ખોટું વિચારી રહ્યા છો. જી હા, હવે રાજ્યમાં પણ કોરોનાનાં કેસમાં વધારો જાવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, જામનગરનાં જાણીતા ઉદ્યોગપતિ અને લોહાણા સમાજનાં અગ્રણી જીતુ લાલ સહિત તેમનો પરિવાર કોરોના પોઝિટિવ મળી આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ઓમિક્રોનનો ખતરો વધી ગયો છે. રાજ્યમાં સૌથી પહેલા ઓમિક્રોનનો કેસ જામનગરમાં જ નોંધાયો હતો, ત્યારે હવે જામનગરથી વધુ એક પરિવાર કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવતા લોકોમાં ફફડાટ જાવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, જામનગરનાં જાણીતા ઉદ્યોગપતિ અને લોહાણા સમાજનાં અગ્રણી જીતુલાલ સહિત તેમના પરિવારનાં ત્રણથી ચાર સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે જીતુલાલે ઓડિયો સંદેશ મારફતે જાણ કરી છે. વળી તેમણે આ ઓડિયો સંદેશમાં કહ્યુ છે કે, જે લોકો અમારા સંપર્કમાં આવેલા છે તે તમામ પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવી લે. કહેવાય છે કે, જયપુર મુકામે તેમના દિકરાનાં લગ્ન ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા, જ્યાથી આ વાયરસ તેમને અને તેમના પરિવારને થયો છે. વળી આ લગ્ન પ્રસંગમાં વિદેશી મહેમાનો પણ હાજર રહ્યા હતા. ત્યારે હવે એ વાતનો પણ ખતરો મંડરાઇ રહ્યો છે કે શું આમાથી કોઇ કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત તો નહી હોય? જા કે આ સમાચાર સામે આવ્યા બાદ જામનગરમાં લોકો ફફડી ગયા છે અને તકેદારીનાં ભાગરૂપે ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે.