અમરેલીના ઐતિહાસિક વારસા સમાન રાજમહેલની હરરાજીના મુદ્દે હાલ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ આ મામલે સરકાર પર આકરા પ્રહારો કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર એક કટાક્ષમય કવિતા શેર કરી છે. ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે “હેરીટેજ હોટલ” બનાવવાના બહાને શહેરના ગૌરવ સમાન આ ગાયકવાડી રાજમહેલને ગીરવે મૂકવાની તૈયારીઓ થઈ રહી છે. તેમણે માત્ર મહેલની જાળવણી મુદ્દે જ નહીં, પરંતુ ચૂંટણી આયોગની કામગીરી અને પારદર્શિતા સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ગાયકવાડ શાસનકાળની આ ઐતિહાસિક ધરોહરને લઈને શરૂ થયેલો આ વિવાદ હવે અમરેલીના સ્થાનિક રાજકારણમાં મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.
પરેશ ધાનાણીએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા પોતાની કવિતા સ્ટાઈલમાં આક્ષેપ કર્યો કે, “હેરીટેજ હોટલ” બનાવવાના નામે અમરેલીના ગૌરવ સમાન રાજમહેલને ગીરવે મૂકવામાં આવી રહ્યો છે. ગાયકવાડ રાજના આ ઐતિહાસિક મહેલ સાથે અમરેલીની જનતાની લાગણીઓ જાડાયેલી છે, ત્યારે તેનું વ્યાપારીકરણ કરવાના મુદ્દે હવે ચર્ચાઓએ જાર પકડ્યું છે. તેમણે કવિતા સ્વરૂપે સવાલ કર્યા છે કે ગાયકવાડ રાજના સમયના રાજમહેલની જાળવણીના બદલે તેની હરાજી કેમ? આ એ જ સ્થળ છે જ્યાં મહાત્મા મુળદાસના બેસણાં આવેલા છે. ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતી જગ્યાના અસ્તિત્વ સામે પ્રશ્નો ઉભા થયા છે.
“હેરીટેજ હોટલ” બનાવવા માટે
ગાયકવાડ રાજના ગૌરવ સમાન
“રાજમહેલ” ની હરરાજી..?
જ્યાં “મહાત્મા મુળદાસ” ના
બેસણા છે, ઈ ટાવરની ટોચે
“ચાની કીટલી”..?*
ભાઈ સૌ જાગતા રહેજા નહિતર,
આખુંય ગામ ગીરવે મુકાઈ જાશે.!
અમરેલીના આઈકોનિક ટાવર પર “ચાની કીટલી” મૂકવાના મુદ્દે પણ ધાનાણીએ કટાક્ષ કરતા સરકારની કામગીરી પર પ્રહાર કર્યા હતા. ધાનાણીએ પોતાની ટ્વીટના અંતે અમરેલીની જનતાને સાવધ કરતા પરેશ ધાનાણીએ લખ્યું હતું કે, “જાગતા રહેજા, નહીં તો આખું ગામ ગીરવે મુકાઈ જશે.” તેમના આ નિવેદન બાદ સ્થાનિક રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાન અને મતગણતરી એજન્ટોની નિમણૂક અંગે લેવાયેલા એક વિવાદિત નિર્ણયને પગલે રાજકારણ ગરમાયું છે. નવા સુધારા મુજબ, હવે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ પણ એજન્ટ તરીકે રહી શકશે, જેની પર અગાઉ સખત પ્રતિબંધ હતો. પહેલાના નિયમ મુજબ જે-તે વ્યક્તિ સામે કોઈ ગુનો નોંધાયેલો ન હોવો જાઈએ તેવી જાગવાઈ હતી, પરંતુ આયોગે પત્ર લખીને આ જાગવાઈ રદ કરી દેતા વિવાદ સર્જાયો છે.
“”ગુંડાઓના હવાલે, ગુજરાત””
• પહેલું પગથિયું
મતદારોને લલચાવો-ફોસલાવો.
• બિજુ પગથિયું
મતદારોને ડરાવો-ધમકાવો.
• ત્રિજુ પગથિયું
મતદાર યાદીમાંથી નામ રદ કરાવો.
• ચોથું પગથિયું
ગુંડાગીરીથી વિપક્ષના ફોર્મ ખેંચાવો.
• પાંચમું પગથિયું
ગુંડાગીરીથી ચુંટણી પ્રચાર અટકાવો.
આ નિર્ણય સામે વિરોધ નોંધાવતા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ટ્વીવટર (એકસ) પર એક કટાક્ષમય કવિતા લલકારીને ચૂંટણી આયોગની કામગીરી અને પારદર્શિતા સામે સવાલો ઉઠાવ્યા છે.






































