સીડીએસ બિપિન રાવત સહિત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા તમામ ૧૩ લોકોને આજે અંતિમ વિદાય આપવામાં આવી છે. જનરલ બિપિન રાવતના પાર્થિવ દેહને આજે બેસ હોસ્પિટલથી તેમના નિવાસ સ્થાને લઈ જવાયો હતો જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી સહિત અનેક વીવીઆઈપી અને અન્ય લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સીડીએસ જનરલ બિપિન રાવતને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી. તેમના આવાસ પર એનસીપી ચીફ શરદ પવાર પણ હાજર હતાં.ત્રણેય સેના પ્રમુખ આર્મી ચીફ જનરલ એમ એમ નરવણે, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને વાયુસેના ચીફ એરચીફ માર્શલ વી આર ચૌધરીએ બ્રિગેડિયર એલ એસ લિડ્ડરને બ્રાર સ્કવેર દિલ્હી કેન્ટોન્મેન્ટ ખાતે શ્રદ્ધાંજલિ આપી. એનએસએ અજિત ડોભાલ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી
સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સેનાના અનેક અધિકારીઓ સહિત ૧૩ લોકોના મોત થયા હતા. સીડીએસ બિપિન રાવત હેલિકોપ્ટરથી તમિલનાડુના વેલિંગ્ટન જઈ રહ્યા હતા. આ અકસ્માતમાંથી માત્ર એક ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ જીવિત બચ્યા છે અને હાલ સારવાર હેઠળ છે. દેશ સતત તેમની સલામતીની દુઆ માંગે છે. જનરલ બિપિન રાવત સહિત અકસ્માતનો ભોગ બનેલા લોકોને દેશ ભીની આંખે યાદ કરી રહ્યો છે. સવારે ૧૧થી ૧૨.૩૦ સુધી સામાન્ય લોકોએ રાવત દંપતિને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી ત્યાર બાદ બપોરે ૧૨.૩૦થી ૧.૩૦ સુધી સૈન્ય અધિકારીઓ શ્રદ્ધાંજલિ આપી હતી અને બપોરે ૨ વાગે રાવતના નિવાસ સ્થાને બિપિન રાવતના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે દિલ્હી કેન્ટોન્મેન્ટના બ્રાર સ્ક્વેર સ્મશાન ઘાટ પર લઇ જવામાં આવ્યો હતો અને અહીં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. તેમને ૧૭ તોપની સલામી આપવામાં આવી હતી અંતિમ સંસ્કાર સમયે ત્રણેય સેનાના બ્યુગલ વગાડવામાં આવ્યા હતાં અને સૈન્ય બેન્ડ શોક ગીત વગાડવામાં આવ્યું હતું.અંતિમ સંસ્કાર વખતે ૮૦૦ જવાન હાજર રહ્યાં હતાં અને અંતિમ યાત્રાને ૯૯ સૈન્ય કર્મી એસ્કોર્ટ કરી હતી અને સેનાના બેન્ડના ૩૩ કર્મી આખરી વિદાય આપી હતી
સીડીએસ બિપિન રાવત અને મધુલિકા રાવતની પુત્રીઓ કૃતિકા અને તારિનીએ માતા પિતાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સીડીએસ બિપિન રાવતને અંતિમ વિદાય આપવા માટે તેમના ઘરે પહોંચ્યા. અહીં તેમણે જનરલ અને તેમના પત્નીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી. શહીદ સીડીએસ જનરલ બિપિન રાવતને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ શ્રદ્ધાંજલિ આપી. કોંગ્રેસ નેતા હરીશ રાવત પણ સીડીએસ જનરલ બિપિન રાવતના નિવાસ સ્થાને પહોંચ્યા. અનેક દેશોના રાજદૂતો પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. બાંગ્લાદેશના રાજદૂતે પણ સીડીએસ જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપી.
બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ઉમટી પડ્યા પડયા હતાં. કેટલાક બિપિન રાવતને યાદ કરીને ચોધાર આંસુએ રડી પડે છે. જે દર્શાવે છે કે દેશ પોતાના જાંબાઝોને ગુમાવીને કેટલો વ્યથિત છે.જનરલ બિપિન રાવત સાથે જીવ ગુમાવનાર બ્રિગેડિયર એલ એસ લિડ્ડરના દિલ્હી કેન્ટના બરાડ સ્ક્વેરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમ દર્શન વખતે તેમના પત્ની વારંવાર પતિના કોફિનને કિસ કર રડતા જોવા મળ્યા. લિડ્ડરના દીકરીએ જાંબાઝ પિતાને મુખાગ્નિ આપી.