અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ યશવંત વર્મા સામે મહાભિયોગની પ્રક્રિયા સૌપ્રથમ લોકસભામાં શરૂ થશે. સૂત્રોએ જણાવ્યું છે કે રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ, જેને તત્કાલીન અધ્યક્ષ જગદીપ ધનખડ દ્વારા સ્વીકારવામાં આવી હતી, તે રદ કરવામાં આવશે. જાણવા મળ્યું છે કે સરકાર પોતે લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરશે. લોકસભા સ્પીકર ઓમ બિરલા જસ્ટીસ વર્મા સામેના આરોપોની તપાસ માટે એક સમિતિ બનાવશે. જા નક્કર પુરાવા મળશે, તો તેમની સામે મહાભિયોગની ભલામણ કરી શકાય છે.
સૂત્રો કહે છે કે રાજ્યસભામાં વિપક્ષ દ્વારા આપવામાં આવેલી મહાભિયોગ દરખાસ્તની નોટિસ અને જેને રાજ્યસભાના અધ્યક્ષ તરીકે જગદીપ ધનખડ દ્વારા સ્વીકારવામાં આવી હતી, તે રદ કરવામાં આવશે કારણ કે તે ક્યારેય ગૃહના ફ્લોર પર ઔપચારિક રીતે રજૂ કરવામાં આવી ન હતી.
અગાઉ, સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ આ મુદ્દાને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પર સરકારની કડકતા તરીકે રજૂ કરવા માંગે છે. પાર્ટી આ વર્ષે બિહાર અને આવતા વર્ષે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં તેને ઉદાહરણ તરીકે બતાવવા માંગતી હતી. શાસક ભાજપે ૨૧ જુલાઈથી શરૂ થતા ચોમાસા સત્ર પહેલા પોતાનો મહાભિયોગ પ્રસ્તાવ પણ તૈયાર કર્યો હતો. પાર્ટીએ તમામ પક્ષોની સંમતિ સુનિશ્ચિત કરવા માટે વિપક્ષી પક્ષોનો પણ સંપર્ક કર્યો હતો. ઘણા વિપક્ષી સાંસદોએ પણ સરકારના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ ધનખડે એક રીતે પક્ષની આ મહત્વપૂર્ણ યોજનાને બગાડી નાખી હતી.
ધનખડે રાજ્યસભામાં વિપક્ષ દ્વારા રજૂ કરાયેલ મહાભિયોગ દરખાસ્તની નોટિસ સ્વીકારી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે આને વિવિધ પક્ષો સાથે થયેલી સર્વસંમતિ વિરુદ્ધ માન્યું હતું અને તેનાથી ધનખડને નુકસાન થયું હોઈ શકે છે. આ પછી, ધનખડે સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું.
તમને યાદ અપાવીએ કે જ્યારે જસ્ટીસ વર્મા દિલ્હી હાઈકોર્ટના જજ હતા, ત્યારે ૧૫ માર્ચે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી મોટી સંખ્યામાં બળી ગયેલી નોટો મળી આવી હતી. આ પછી, તેમને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની પેનલે તેમને પદ પરથી દૂર કરવાની ભલામણ કરી હતી. જસ્ટીસ વર્માએ કોઈપણ પ્રકારની ગેરવર્તણૂકમાં સામેલ હોવાનો ઇનકાર કર્યો છે.








































