જસદણ નગરપાલિકાના વોર્ડ નં.૫માંથી નવા ચૂંટાયેલા અપક્ષ સભ્ય સુરેશભાઈ છાયાણીએ નગરપાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. આ અંગે સુરેશભાઈએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારથી ખદબદતી નગરપાલિકાના અધિકારીઓ અમારા વોર્ડમાં દુર્ગંધવાળું પાણી લાંબા સમયથી આપે છે. આ ગંભીર પ્રશ્ન બાબતે તેની લેખિત રજૂઆત પછી પણ કોઇ કાર્યવાહી ન થતાં આખરે મારે ઉપવાસ આંદોલન શરૂ કરવાની ફરજ પડી છે. નગરપાલિકા દ્વારા નિયમિત પાણી આપવામાં આવતું નથી. આ ઉપરાંત કરોડો રૂપિયાના બિલની રકમ લાગતા વળગતા લોકોએ ઉસેડી લીધી છે. આ અંગે પણ કોઇ કાર્યવાહી આજદિન સુધી ન થઈ હોવાથી નગરપાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. જ્યાં સુધી અમારી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ ઉપવાસ આંદોલન શરૂ રાખવામાં આવશે.