જસદણમાં યુવાનને ૩૩ ટકા વ્યાજે રૂપિયા આપી યુવાન પાસેથી રૂ. ૧૦ લાખ પડાવી બે કાર, મોબાઈલ ઝુંટવી બે પ્રોમીસરી નોટ લખાવી પાંચ કોરા ચેક પડાવી લેતાં જસદણ પોલીસે વ્યાજખોર સામેની મુહિમ અવિરત રાખી મની લેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે જસદણમાં ગંગાભુવન શાંતિ નિકેતન સ્કૂલની બાજુમાં રહેતાં મિલનકુમાર રાજુ મોખા (ઉ.વ.૨૩) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કિશોર ઉર્ફે કિશન વાઘેલા (રહે. કનેસરા), અક્ષય ભરત મોખ, નરેશ ઉર્ફે નાગરાજ ધાધલ (રહે. બંને ઊંટવડ, બાબરા), રઘા શિવરાજ દરબાર (રહે. કરણુકી, બાબરા) અને એક અજાણ્યાં શખ્સનું નામ આપતાં જસદણ પોલીસે મની લેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આરોપીઓએ ફોન કરીને ગાળો આપી કહ્યું હતું કે, રૂ.૪ લાખ મૂળ રકમ તથા તેનું વ્યાજ આપ, નહીંતર અમારી સાથે ચાલ. તું અમે કહીએ ત્યાં લખાણ કરી દે નહીતર જાનથી મારી નાખીશુ તેમ ધમકી આપી ગોંડલ વકીલની ઓફિસે બોલાવેલ અને ત્યાં ઉછીના પૈસાની બે પ્રોમીસરી નોટ લખાવેલ અર્ટિગા કારનું લખાણ તેમજ સહીવાળા રકમ ભર્યા વગરના પાંચ ચેક લઈ લીધેલ હતા. યુવાને તેમની પાસે પૈસા ન હોવાનું કહેતાં આરોપી તેમને કરણુકી ગામે લઈ ગયા હતા અને મોબાઇલ ફોન પડાવી લીધો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી અરોપીની શોધખોળ હાથ ધરી હતી.