જસદણમાં સગાઇ પ્રસંગે ગયેલી મહિલાના શંકાસ્પદ મોત બાદ પતિએ ભત્રીજા સામે ઝેરી દવા પીવડાવી દીધાનો આરોપ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી મૃતક મહિલાના ભત્રીજાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આરોપી ભત્રીજા અર્જુન બીજલભાઇ સાકરીયાએ કાકીને ઝેરી ટીકડા પીવડાવ્યા બાદ વિરનગર પાસે ઉતારી પલાયન થઇ ગયો હતો. જસદણ પોલીસે પાર્વતીબેનનું નિવેદન લીધું હતું, જેમાં તેણીએ જણાવ્યું હતું કે, તેમણે તેના કૌટુંબિક ભત્રીજા અર્જુનને કટકે કટકે રૂ. ૩૦ હજારની રકમ ઉછીની આપી હતી. જેની ઉઘરાણી માટે તેઓ તેના ઘરે જતા અર્જુને તેમને મકાનમાં ગોંધી રાખી ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખવડાવી તેમને વિરનગર પાસે ઉતારી દીધા હતા. પોલીસે અર્જુન સાકરીયા સામે વધુ તપાસ હાથ ધરી છે.