સંત શિરોમણી પુજ્ય જલારામ બાપાની ૨૨૨-મી જન્મજયંતી નિમિત્તે જસદણમાં ધર્મમય માહોલ જોવા મળ્યો હતો. જલારામ જયંતી પ્રસંગે સવારથી જ જસદણના જલારામ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ મંદિરને અનેરા સાજ-શણગાર વડે સુશોભીત કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જલારામ મંદિરની ૧૦૮ પ્રદક્ષિણા તથા આરતી અને દર્શન માટે મોટી સંખ્યામાં જલારામ ભકતો ઉમટી પડયા હતા. શહેરમાં જલારામબાપાની શોભાયાત્રા નીકળી હતી અને જલારામ મંદિર ખાતે ભાવિકો માટે પ્રસાદ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. જલારામબાપા મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાવિકોએ મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.