જસદણ શહેરમાં નવા બનતા રોડની નબળી કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર-૨માં મામલતદાર કચેરી સામે જસદણ નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે સી.સી. રોડ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તાના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાના આક્ષેપો થયા છે. વિસ્તારવાસીઓના જણાવ્યા મુજબ, સી.સી. રોડના નિર્માણમાં અત્યંત નબળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોએ દાવો કર્યો છે કે રોડના કામમાં રોલિંગ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી અને પીસીસીનું કામ પણ હલકી ગુણવત્તાનું છે. આ બાબતે સ્થાનિકોએ કામ તાત્કાલિક અટકાવીને ગુણવત્તાની ચકાસણી કરવાની માંગ કરી છે.