જસદણમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતાં યુવાન પાસે પૈસા પડાવવા તેના ફોનમાં ડાઉનલોડ કરાયેલી એપમાંથી નંબર અને ગેલેરી વગેરે માહિતી મેળવી, લોન લીધી ન હોવા છતાં લીધાનું કહી રૂ.૧૫૦૦ ની માંગણી કરી તેના એડીટીંગ કરેલા અશ્લીલ ફોટા મિત્રો અને સંબંધીઓને મોકલી પરાણે પૈસા પડાવવાની કોશિશ કર્યાની જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જસદણ પોલીસે આ અંગે યશ નામના યુવાનની ફરિયાદ પરથી ત્રણ ફોન નંબરના ધારક અને ગેઈમ એપના ધારક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ બનાવ અંગે યશે પોલીસને જણાવ્યું છે કે, ગઈકાલે તે નોકરી પર હતો ત્યારે એક શખ્સે તેને કોલ કરી તમે કેન્ડી ક્રશ એપમાંથી રૂ.૧૫૦૦ ની લોન લીધી છે તે રકમ અત્યારે ઓનલાઈન પેમેન્ટ કરી દે કહેતા તેણે કોઈ લોન લીધી નથી તેવો જવાબ આપ્યો હતો. આથી કોલ કરનાર શખ્સ તારા મોબાઈલ કોન્ટેક્ટ મારી પાસે આવી ગયા છે હું તારા ફોટા એડિટીંગ કરીને અશ્લીલ ફોટા તારા કોન્ટેક્ટ નંબરમાં વોટ્‌સએપમાં મોકલીશ તેમ કહેતા તેને ફરી તેના એડિટીંગ કરેલા અશ્લીલ ફોટા તેના મિત્રો અને કાકા વગેરેને મોકલ્યા હતા. એટલું જ નહીં વોટ્‌સએપમાં અલગ-અલગ નંબરો પરથી કોલ કરીને પૈસાની માંગણી કરતાં પોલીસમાં અરજી કરી હતી. તેણે એક ગેઈમની એપીકે એપ ડાઉનલોડ કરી હોય તેના ઉપર ભૂલથી કલીક થઈ જતા અને તેને પરમિશન આપી દેતા તેના કોન્ટેક્ટ સહિતની વિગતો ગઠીયા પાસે જતી રહી હતી. એટલું જ નહીં ગઠીયાઓએ પૈસા મોકલવા યુપીઆઈ આઈડી પણ આપ્યા હતા. આ બનાવમાં જસદણ પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.