જસદણ નજીક આવેલા બાખલવડ ગામના આલણ સાગર તળાવ ખાતે બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. વાસ્તવમાં અહીં નાહવા ગયેલા ચાર કિશોરો તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થતા તેમના મોત થયા હતા, જેના કારણે પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ જસદણના વિંછીયા રોડ વિસ્તારમાં રહેતા ચાર મિત્રો રજા માણવા માટે બપોરના સમયે એક જ સાયકલ પર તળાવ તરફ ગયા હતા. મોજમસ્તી માટે ગયેલા આ બાળકો માટે આ સફર જીવલેણ સાબિત થઈ. લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા અને તેમની શોધખોળ શરૂ કરી.
આ તરફ શોધ દરમિયાન પરિવારજનો અને સ્થાનિક લોકો તળાવ પાસે પહોંચ્યા ત્યારે કિનારે બાળકોની સાયકલ, કપડાં અને ચપ્પલ મળી આવ્યા, જેના કારણે શંકા વધુ ગાઢ બની. તરત જ સ્થાનિક આગેવાનો અને પોલીસને જાણ કરવામાં આવી. થોડા જ સમયમાં પોલીસ, પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. સાથે જ ગામના અનુભવી તરવૈયાઓ પણ બચાવ કામગીરીમાં જાડાયા હતા.
આ તરફ શરૂઆતમાં ત્રણ કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે ચોથા બાળક માટે લાંબા સમય સુધી શોધખોળ ચાલુ રાખવામાં આવી. અંતે ભારે મહેનત બાદ ચારેય બાળકોના મૃતદેહોને બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ દૃશ્યો જાઈ પરિવારજનોમાં રડારડી મચી ગઈ હતી અને સમગ્ર ગામ ગમગીન બની ગયું હતું.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાળકોમાં રામુભાઈ ભાયાભાઈ રાઠોડ (૧૪ વર્ષ), કાળુભાઈ ભરતભાઈ રાઠોડ (૧૦ વર્ષ), કિશનભાઈ મનસુખભાઈ રાઠોડ (૧૫ વર્ષ) અને રાજવીરભાઈ સામતભાઈ રાઠોડ (૧૫ વર્ષ)નો સમાવેશ થાય છે. ચારેય મિત્રો વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી, જેમાંથી બે બાળકો નજીકના સંબંધીઓ પણ હતા. ઘટનાની જાણ થતાં કુંવરજી બાવળીયા સ્થળ પર પહોંચ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી હતી. તેમણે તાત્કાલિક સહાયરૂપે દરેક પરિવારમાં ૨૫ હજાર રૂપિયાની મદદ જાહેર કરી અને રાજ્ય સરકાર તરફથી વધુ સહાય આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. બાદમાં ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જસદણની સરકારી હોસ્પિયલમાં ખસેડવામાં આવ્યા હતા.








































