જસદણના પોપટ પરિવારના પિતૃઓના મોક્ષાર્થે હરિદ્વાર ખાતેના વાસુદેવ આશ્રમ ખાતે ગંગાજીના કિનારે ૪ સપ્ટેમ્બરથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કથાનું આયોજન જસદણના વિજયભાઈ પોપટ અને પંકજભાઈ પોપટ(જલારામ પ્રેસવાળા) પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આ શ્રીમદ્ ભાગવત કથામાં સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી જનકભાઈ મહેતા(ડોડીયાળાવાળા) વ્યાસપીઠ પર બિરાજી આધ્યાત્મિક વાણીમાં ભગવતી ગાથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથાનો સમય સવારે ૯ થી ૧ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કથાની પૂર્ણાહુતી ૧૦ તારીખે થશે. આ કથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉપસ્થિત રહે છે. આ કથા દરમિયાન દરરોજ બપોરે ૧ કલાકે અને સાંજે ૭ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કથાની પોથીયાત્રા તા.૪ ને બુધવારે સવારે ૯ કલાકે હરિદ્વારના સ્વામિનારાયણ મંદિરેથી નીકળી કથા સ્થળે પહોંચી હતી. આ કથામાં આવતા વિવિધ પાવન પ્રસંગોની ઉજવણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.