જસદણમાં તાલુકા સરકારી પુસ્તકાલય ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં મંત્રી બાવળીયા અને અધિકારીઓએ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું અને પરીક્ષામાં મહેનત કરવા અપીલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીને સરકારી નોકરીઓમાં જોડાઈ રાજ્ય અને દેશની સેવા કરી શકે તે માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સાહિત્ય મળી રહે તે હેતુથી આ સેમિનારનું આયોજન કરાયું છે. આ તકે જસદણ પ્રાંત અધિકારી આર.આર. ખાંભરાએ પરીક્ષાની તૈયારી માટે લઘુતાગ્રંથી છોડવા તેમજ નાના સેન્ટરમાં રહીને પણ સરકારી નોકરીની તૈયારી કરી શકાય તે અંગે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. જસદણ મામલતદાર આઈ.જી. ઝાલાએ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીથી દુર રહેવા તેમજ ભાષા અને તર્ક પર ભાર આપવા, લોજિકલ એબિલિટી વધારવા અનુરોધ કર્યો હતો.