બાબરાના કરીયાણા ગામે રહેતી યુવતીના લગ્ન રાજકોટના જસદણ તાલુકાના ગોખલાણા ગામે થયા હતા. લગ્ન બાદ સાસરિયાએ ત્રાસ ગુજાર્યો હતો અને પતિએ ગાળો બોલી, પહેરેલા કપડાએ ઘરમાંથી કાઢી મૂકી હતી. બનાવ અંગે જાગૃતિબેન સાગરભાઈ મેણીયાએ ગોખલાણા ગામે રહેતા પતિ સાગરભાઇ છગનભાઇ મેણીયા, સસરા છગનભાઇ કાનાભાઇ મેણીયા, સાસુ પારૂલબેન છગનભાઇ મેણીયા તથા જેઠ શૈલેષભાઇ છગનભાઇ મેણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના લગ્ન આશરે પાંચેક વર્ષ પહેલા થયા હતા અને સંયુક્ત કુંટુંબમાં રહેતા હતા. આરોપીઓએ તેમને થોડો સમય સારી રીતે રાખ્યા બાદ બાદ ઘરકામ તથા કરિયાવર બાબતે મેણાટોણા મારી શારીરિક, માનસિક અસહ્ય દુઃખ-ત્રાસ આપ્યો હતો. ઉપરાંત અવારનવાર બિભત્સ ગાળો આપી મુંઢમાર મારી પૂરતું જમવાનું ન આપી પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. તેમજ આજદિન સુધી તેમને તથા તેમના દીકરાને તેડવા આવ્યા નહોતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાય.એચ. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.









































