જવાહર નવોદય વિદ્યાલય, મોટા ભંડારિયા – અમરેલીના આચાર્ય દ્વારા જારી કરાયેલી યાદી અનુસાર, શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટેની નવોદય પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ધોરણ ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ, શિક્ષકો અને પ્રાથમિક શાળાના આચાર્ય સહિત સંબંધિત તમામ લોકોને આ અંગે જાણ કરવામાં આવે છે.
ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૯ જુલાઈ, ૨૦૨૫ રહેશે, જ્યારે પ્રવેશ પરીક્ષા ૧૩ ડિસેમ્બર, ૨૦૨૫ (શનિવાર) ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે યોજાશે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration લિંક પર જઈને ફોર્મ ભરી શકે છે. પ્રવેશ સમયે કોઈનું ફોર્મ નિરસ્ત ન થાય તે માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. વિદ્યાર્થીની જન્મ તારીખ ૦૧/૦૫/૨૦૧૪ થી ૩૦/૦૭/૨૦૧૬ (બંને તારીખ સહિત) હોવી જોઈએ. વિદ્યાર્થી જે જિલ્લામાં ફોર્મ ભરવા માગતા હોય, તે જ જિલ્લામાં ધોરણ ૫માં સત્ર ૨૦૨૫-૨૬માં અભ્યાસ કરતા હોવા જોઈએ અને તેમના વાલીઓનો રહેઠાણ પુરાવો પણ તે જ જિલ્લાનો હોવો જોઈએ. એકવાર પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ ફરી ફોર્મ ભરી શકતા નથી. જે વિદ્યાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રનો લાભ લેવા માગે છે, તેમણે ધોરણ ૩, ૪ અને ૫ સળંગ ગ્રામીણ ક્ષેત્રમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ; જો એક દિવસ પણ શહેરી ક્ષેત્રમાં અભ્યાસ કર્યો હોય, તો ફોર્મ ભરતી વખતે “શહેરી” દર્શાવવું ફરજિયાત છે. જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે, જ્યાં વિદ્યાર્થીઓએ વિદ્યાલય કેમ્પસમાં રહીને ધોરણ ૬ થી ૧૨ સુધીનો CBSE કોર્સનો અભ્યાસ કરવાનો રહેશે.









































