સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ગુરૂવારે ૧૩૨મો થર્સ-ડે થોટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું હતું કે, સારા નાગરિક રાષ્ટ્રની મૂડી છે. પરંતુ સારા નાગરિક બનતા પહેલા સારા માણસ બનવું પડે. અને સારા માણસ બનવા માટે સમજણ અને સારા વિચારોની જરૂર પડે છે. તેથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જવાબદાર નાગરિક બનવુ તે ખરો રાષ્ટ્રપ્રેમ છે. વધુમાં નવા વર્ષની શુભેચ્છા અને સંકલ્પ આપતા જણાવ્યું હતું કે, દરરોજ સવારે ઉઠી મનમાં પાંચ વિચાર કરવાના છે. (૧) હું ખુશ છું, (૨)હું તંદુરસ્ત છું, (૩)હું સમૃદ્ધ છું, (૪) પરિવાર-મિત્રો સારા છે, (૫) ઉપરોક્ત ચાર સુખ માટે ઈચ્છા પ્રત્યેય કૃતજ્ઞતા ભાવ પ્રગટ કરું છું. ભારતભરમાં  જરૂરીયાતમંદ બાળકો માટે શિક્ષણની સુવિધાઓ ઊભી કરવા ભગીરથ પ્રયાસ કરી રહેલા કેશુભાઈ ગોટી મુખ્ય વક્તા તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પોતાની સંપત્તિનો સુદ્રઢ રાષ્ટ્ર નિર્માણ માટે ઉપયોગ કરનાર કેશુભાઈ ગોટીએ જણાવ્યું હતું કે, દેશને સશકત રાષ્ટ્ર ૧૪૦ કરોડ નાગરિકો જ બનાવી શકે છે. પરંતુ વર્ણવ્યવસ્થા તેનો પડકાર છે. દેશમાંથી વર્ણવ્યવસ્થા દુર થશે, ત્યારે જ સુદ્રઢ રાષ્ટ્રનું નિર્માણ થશે. નાત-જાતના ભેદભાવ તથા સંપ્રદાયના વાડા રાષ્ટ્રની એકતા અને પ્રગતિની તાકાતને રોકે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વોએ નાગરિક તરીકે પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરી જાગૃત નાગરિક બનવા સંકલ્પ લીધો હતો. સુરત-કામરેજ રોડ જમનાબા વિદ્યાર્થી ભવનમાં ૫૦૦ બેઠકનું કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ તૈયાર થયું છે. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ ખાતે તેમના પુત્ર ભરતભાઈ પટેલની ઉપસ્થિતીમાં પ્રથમવાર વિચારોનું વાવેતર કાર્યક્રમ યોજાયો ત્યારે સમાજે કેશુભાઈ માટે કૃતજ્ઞતા ભાવ પ્રગટ કર્યો હતો. ઓડીટોરીયમ તૈયાર કરવામાં સહયોગી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.