ગઈ કાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થઈ,ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમ માં સીલ થયું અને આજે મીડિયામાં ક્યાં કેટલું જંગી મતદાન થયું ,ક્યાં માથાકૂટ થઈ,ક્યાં કોઈ દુર્ઘટના બની એના ફ્‌લાયર બનશે.અને આવતીકાલે મતગણતરી યોજાવાની છે,એટલેકે ઉમેદવારોનું પરિણામ જાહેર થશે.કોઈ જીતશે તો કોઈ હારશે! આ સમગ્ર પ્રક્રિયા એટલે લોકશાહીનું સૌથી પવિત્ર અને પ્રભાવશાળી પર્વ જે ચૂંટણી તરીખે ઓળખાય છે. આ પર્વમાં દેશનો દરેક મતદાર પોતાના હકનો ઉપયોગ કરીને શાસન રચનામાં ભાગ ભજવે છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવનાર એક અદૃશ્ય શક્તિ છે, જે ચૂંટણી સ્ટાફ તરીકે ઓળખાય છે. ખરેખર જોવામાં આવે તો ચૂંટણી એ જવાબદારીનું જશ્ન છે અને આ જશ્નના સાચા યજમાન ચૂંટણી સ્ટાફ છે.
ચૂંટણી સ્ટાફનો વ્યાપ બહુ વિશાળ છે. તેમાં શિક્ષકો,વિવિધ કચેરીના કર્મચારી, કલાર્ક, અધિકારીઓ, પોલીસ દળ, હોમગાર્ડ, ડ્રાઈવર, ટેકનિકલ સ્ટાફ,મેડિકલ સ્ટાફ,સેવક ભાઈઓ સહિત સમાજના વિવિધ ક્ષેત્રોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેઓ પોતાની નિયમિત ફરજ સાથે આ વિશેષ જવાબદારી પણ નિભાવતા હોય છે. ચૂંટણીની જાહેરાત થતા જ તેમની કામગીરી શરૂ થઈ જાય છે.ટ્રેનિંગ, માર્ગદર્શન, કાયદાકીય સમજણ, ઈવીએમ મશીનો ઉપયોગ માટે તૈયાર કરવા,
મતદાન મથકની તૈયારીઓ વગેરે.
ટ્રેનિંગ દરમિયાન તેમને દરેક નાની-મોટી બાબતો સમજાવવામાં આવે છે. કારણ કે ચૂંટણીમાં એક નાની ભૂલ પણ મોટા વિવાદનું કારણ બની શકે છે. મતદાર યાદીનું સંચાલન, મતદારોની ઓળખ, ખાસ જરૂરિયાત ધરાવતા મતદારોને સહાય, અને નિયમોનું કડક પાલન આ બધું ખૂબ જ સાવચેતી અને સંવેદનશીલતા સાથે કરવાનું હોય છે.
ચૂંટણીના દિવસે તો સ્ટાફ માટે એક પ્રકારની અગ્નિપરીક્ષા જ હોય છે. આગલા દિવસે બપોરના ધોમધખતા તાપમાં ઙ્ઘૈજpીષ્ઠરૈહખ્ત સેન્ટર પર પહોંચીને ફાળવેલ બુથના હુકમ સાથે ઇ.વી.એમ મશીનો અને વિવિધ પ્રકારનું સાહિત્ય લઈને બસ રૂટમાં રવાના થઈને બુથ પર પહોચવાનું હોય છે.ત્યાં આગળના દિવસની પૂર્વ તૈયારી રૂપે બુથની ગોઠવણ કરવાની હોય છે.વિવિધ પ્રકારના ફોર્મ ભરીને તેના કવર તૈયાર કરીને ત્યાં બુથ ઉપર જ રાતવાસો કરવાનો હોય છે.પછી વહેલી સવારે ૬ કલાકથી મોકપોલ શરૂ કરવાનું અને ત્યાર બાદ સિલિંગ કરીને એકજેટ સાત કલાકે મતદાન શરૂ કરી દેવાનું હોય છે. અને પછી સતત ૧૧ કલાક સુધી મતદારોને સેવા આપવી. ગરમી હોય કે ઠંડી હોય કે અન્ય કોઈ પડકાર હોય તેઓ પોતાની ફરજથી પાછા પડતા નથી.અને આ બે દિવસ તો જમવાનું ગૌણ બની જાય છે,માત્ર ફરજ પર જ લક્ષ્ય હોય છે.ઘણી વખત સ્ટાફને અંતરિયાળ ગામોમાં અથવા જંગલ વિસ્તારોમાં ફરજ સોંપવામાં આવે છે જ્યાં ઘણી અગવડતાઓ વચ્ચે કામ કરવાનું હોય છે .આ બધું માત્ર એટલા માટે કે દેશનો દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. આ દૃશ્યો આપણને તેમની પ્રતિબધ્ધતા અને દેશપ્રેમની ઊંચાઈ દર્શાવે છે.
ચૂંટણી સ્ટાફની સૌથી મોટી વિશેષતા તેમની નિષ્પક્ષતા અને ઈમાનદારી છે.તેઓ કોઈપણ રાજકીય દબાણ કે પ્રભાવથી દૂર રહીને માત્ર નિયમો અનુસાર કામ કરે છે. દરેક મતને સમાન મહત્વ આપવું અને કોઈપણ ગેરરીતિ ન થાય તેની ખાતરી કરવી એ તેમની પ્રથમ ફરજ છે. આ કારણે જ લોકોનો વિશ્વાસ ચૂંટણી પ્રક્રિયા પર અડગ રહે છે.
ચૂંટણી પૂર્ણ થયા પછી પણ તેમની ફરજ પૂરી થતી નથી. મતદાન મશીનોને સુરક્ષિત રીતે જમા કરાવવા, રિર્પોટિંગ કરવુ, અને ક્યારેક મતગણતરીમાં પણ સહભાગી બનવું,આ બધું તેઓ સંપૂર્ણ જવાબદારી સાથે કરે છે. આવી ચોકસાઈ સાથેની જવાબદારીવાળી ફરજ નિભાવનાર તમામ સ્ટાફને વંદન સાથે અભિનંદન.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેઓ પોતાના પરિવારથી દૂર રહે છે, પોતાની સુખસગવડતાનો ત્યાગ કરે છે અને માત્ર
દેશસેવાનું ધ્યેય રાખે છે. આ રીતે જોવામાં આવે તો ચૂંટણી સ્ટાફ ખરેખર લોકશાહીનો મજબૂત પાયો છે.

“જ્યાં ફરજને પૂજા માનવામાં આવે,
ત્યાં કાર્ય માત્ર કામ નથી રહેતું,
એ જશ્ન બની જાય છે.”
“તાપમાં તપે ને ઠંડીમાં અડગ ઊભા રહે,
જવાબદારીના યોધ્ધા બની ફરજને મહિમા આપે;ચૂંટણીના આ જશ્નમાં નિઃશબ્દ રહી કામ કરે,એવા કર્મયોગીઓથી જ લોકશાહી દેદીપ્યમાન રહે.”