ઘરેલુ હિંસાનો શિકાર બનેલ એક મહિલાને રશિયન સરકાર વળતર આપશે. આંતરરાષ્ટ્રીય કોર્ટે રશિયાને કહ્યું છે કે તે પીડિત મહિલાને ૩,૭૦,૦૦૦ યુરો એટલે કે લગભગ ૩ કરોડ ૨૦ લાખ રૂપિયાનું વળતર આપે. વાસ્તવમાં, મહિલાના જલ્લાદ પતિએ કુહાડીથી મારી મારીને તેના બંને હાથ કાપી નાખ્યા. બાદમાં ઓપરેશન કરીને મહિલાનો એક હાથ ફરી લગાવી આપવામાં આવ્યો. પરંતુ બીજા હાથને રીપ્લાન્ટ કરવામાં ડોક્ટરો અસફળ રહ્યા, પતિએ મહિલા પર કુહાડીના ૪૦ પ્રહાર કર્યા હતા. તે ભારે જહેમતથી પોતાનો જીવ બચાવી શકી હતી.
એક અહેવાલ મુજબ, યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સએ રશિયાને આદેશ કર્યો છે કે ૨૭ વર્ષીય માર્ગરીટા ગ્રેચ્યોવા સહીત ઘરેલુ હિંસાનો શિકાર બનેલ એવી ચાર મહિલાઓને વળતર આપે, જેમને જટિલ સર્જરીમાંથી પસાર થવું પડ્યું છે. ડિસેમ્બર ૨૦૧૭માં માર્ગરીટાના પતિ દિમીત્રી ગ્રેચ્યોવાએ તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જલ્લાદ પતિએ માર્ગરીટા પર કુહાડીના ૪૦ ઘા કર્યા અને તેના બંને હાથ કાપી નાખ્યા હતા. વાસ્તવમાં, પતિને શંકા હતી કે તેની પત્નીના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો છે જેને લઈને તે હેવાન બની ગયો અને પોતાની પત્ની પર હુમલો કરી દીધો.
દિમીત્રી ગ્રેચ્યોવાને બાદમાં કોર્ટે દોષિત જાહેર કરતા ૧૪ વર્ષની જેલની સજા સંભળાવી હતી.પીડીતાએ પહેલા પોલીસને જણાવ્યું હતું કે તેનો પતિ તેની સાથે મારપીટ કરે છે પરંતુ અધિકારીઓએ તેની ફરિયાદની અદેખાઈ કરી. આંતરરાષ્ટ્રીય કોર્ટે આ મામલાને ગંભીરતાથી લઈને રશિયાની સરકારને આદેશ કર્યો કે તે માર્ગરીટા ગ્રેચ્યોવાને સારવારનો ખર્ચ અને માનસિક શારીરિક આઘાત માટે વળતર આપે. સાથે જે કોર્ટે અન્ય ચાર મહિલાઓને પણ વળતર આપવાનો આદેશ કર્યો છે.
કોર્ટે રશિયાને એમ પણ કહ્યું છે કે આ પ્રકારના મામલાઓ રોકવા માટે જરૂરી પગલાંઓ લેવામાં આવે. જણાવી દઈએ કે પહેલા પણ આ પ્રકારના મામલાઓમાં રશિયા પીડિતાઓને વળતર આપવાનો ઇન્કાર કરી ચૂક્યું છે. રશિયન સરકારે કહ્યું હતું કે ઘરેલુ હિંસા માટે સરકારને જવાબદાર ન ઠેરવી શકાય. તો, હિંસાનો શિકાર મહિલાઓનો કેસ લડી રહેલ વકીલએ પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે કે સરકારની નિષ્ક્રિયતાને લીચે દરેક મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઇ હતી.