અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી ૨’ ૧૮ એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા તે પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા તે પંજાબના સુવર્ણ મંદિરમાં જોવા મળ્યો હતો. તાજેતરમાં, ફિલ્મ ‘કેસરી ૨’ ના નિર્માતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરવામાં આવી હતી, જેમાં અક્ષય કુમાર અને ફિલ્મ ‘કેસરી ૨’ ની આખી સ્ટાર કાસ્ટ જલિયાંવાલા બાગમાં જોવા મળી હતી. તેઓ સોમવારે અહીં પહોંચ્યા હતા. આ પ્રસંગે બધા ભાવુક જોવા મળ્યા.

જલિયાંવાલા બાગ પહોંચ્યા બાદ, અક્ષય કુમારે શહીદ સ્મારક પર ફૂલો અર્પણ કર્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ પછી તે ફિલ્મ ‘કેસરી ૨’ ની સ્ટાર કાસ્ટ સાથે સ્ટેજ પર દેખાયો. બધાએ પોતાના ફોટા કલીક કરાવ્યા. સ્ટેજ પર ફિલ્મ સાથે જોડાયેલી વાતો પણ શેર કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગાયક સુખવિંદા અને બી પ્રાક પણ ફિલ્મ ‘કેસરી ૨’ ની ટીમ સાથે જોવા મળ્યા હતા. આ પ્રસંગે આર માધવન અને અનન્યા પાંડે પણ હાજર હતા, તે બંને ફિલ્મ ‘કેસરી ૨’નો મહત્વપૂર્ણ ભાગ છે. આ ઉપરાંત, તસવીરોમાં પંજાબી કોમેડિયન ગુરપ્રીત ઘુગ્ગી પણ જોવા મળ્યા હતા.

જો આપણે ફિલ્મ ‘કેસરી ૨’ ની વાર્તા વિશે વાત કરીએ તો તે જલિયાંવાલા બાગ સાથે સંબંધિત છે. આમાં અક્ષય કુમારે વકીલ સી શંકરન નાયરની ભૂમિકા ભજવી છે, જે આઝાદી પહેલા બ્રિટિશ સરકાર સામે કોર્ટમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડનો કેસ લડે છે અને આ ઘટનામાં શહીદ થયેલા લોકોને ન્યાય અપાવવાનો પ્રયાસ કરે છે.