ભારતીય હોકી ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી જાડાશે. પંજાબના જલંધરના હોકીના મક્કા મીઠાપુરના વતની ઓલિમ્પીયન મનદીપ સિંહ ટૂંક સમયમાં ભારતીય મહિલા હોકી ટીમની ડિફેન્ડર ઉદિતા કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે, જે હરિયાણાના હિસારની વતની છે. બંનેના લગ્નનું કાર્ડ પણ સામે આવ્યું છે, જે મુજબ બંને ૨૧ માર્ચે જલંધરના મોડેલ ટાઉનમાં ગુરુદ્વારા સિંહ સભામાં લગ્ન કરશે.
લગ્ન કાર્ડમાં બંનેના નામની આગળ ઓલિમ્પીયન લખેલું છે. બંને ખેલાડીઓના પરિવારો લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. બંને ખેલાડીઓએ દેશ માટે ઘણા રમતગમતના ચંદ્રકો લાવ્યા છે. ૨૫ જાન્યુઆરી ૧૯૯૫ના રોજ જાલંધર (હોકીના મક્કા) ના મીઠાપુર ગામમાં જન્મેલા મનદીપ સિંહે જલંધરની સુરજીત હોકી એકેડેમીમાં યુવા ખેલાડી તરીકે ફિલ્ડ હોકી રમવાનું શરૂ કર્યું. મનદીપ સિંહ ભારતીય પુરુષ રાષ્ટ્રીય હોકી ટીમનો ભાગ છે. જેમણે વર્લ્ડ કપ ૨૦૧૪ અને ૨૦૧૮, એશિયન ગેમ્સ ૨૦૧૮, કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮, એશિયા કપ ૨૦૧૩, હોકી વર્લ્ડ લીગ ટાયર ૪ ફાઇનલ ૨૦૧૪ અને ૨૦૧૭, હોકી વર્લ્ડ લીગ ટાયર થ્રી ૨૦૧૩ અને ૨૦૧૭ અને ચેમ્પીયન્સ ટ્રોફી ૨૦૧૬ અને ૨૦૧૮ માં પ્રદર્શન કર્યું છે. મનદીપ સિંહે બીજી ઘણી મોટી ચેમ્પીયનશિપ પણ જીતી છે. ઓલિમ્પીયન મનદીપ સિંહ હાલમાં પંજાબ પોલીસમાં ડીએસપી તરીકે તૈનાત છે.
૧૪ જાન્યુઆરી ૧૯૯૮ના રોજ હિસારના નાંગલ ગામમાં જન્મેલી ઉદિતા કૌર દુહાને હરિયાણા હોકી ટીમ સાથે આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું નામ રોશન કર્યું છે. તે ભારતીય મહિલા હોકી ટીમની ડિફેન્ડર છે. હોકી પહેલા ઉદિતા હેન્ડબોલ પણ રમી ચૂકી છે. તેમની રમત કારકિર્દી હેન્ડબોલથી શરૂ થઈ હતી. પછી તેણે હોકીમાં હાથ અજમાવ્યો. વર્ષ ૨૦૧૭ માં, ઉદિતાએ સિનિયર સ્તરે પ્રવેશ કર્યો. તેણે ૨૦૧૮ એશિયન ગેમ્સમાં સિલ્વર, ૨૦૨૨ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ અને ૨૦૨૩ એશિયન ચેમ્પીયન્સ ટ્રોફીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઉપરાંત, ઉદિતાએ ૨૦૨૧ ટોકયો ઓલિમ્પીકમાં ભારતને ચોથું સ્થાન મેળવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ૨૦૨૪ માં, તે મહિલા હોકી ઈન્ડીયા લીગની હરાજીમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બની.