સંસદમાં આજે (બુધવાર) શિયાળુ સત્રનો ત્રીજા દિવસ છે, પરંતુ વિપક્ષનાં હોબાળા અને લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીમાં વિક્ષેપને કારણે દિવસનું પ્રથમ સત્ર હોબાળાની ભેટ ચઢી ગયું હતું. દરમિયાન, રાજ્યસભાનાં ૧૨ સસ્પેન્ડેડ સભ્યો સંસદ પરિસરમાં ધરણા પર બેઠા હતા, જ્યારે કોંગ્રેસનાં નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વિપક્ષી નેતાઓએ સંસદમાં ગાંધી પ્રતિમાની સામે સાંસદોનાં સસ્પેન્શનને લઈને વિરોધ કર્યો હતો. દરમિયાન સપા સાંસદ જયા બચ્ચન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
સંસદનાં ચોમાસા સત્ર દરમિયાન રાજ્યસભામાં ‘અભદ્ર વર્તર્ન બદલ સસ્પેન્ડ કરાયેલા ૧૨ વિપક્ષી સાંસદો આ કાર્યવાહીનાં વિરોધમાં બુધવારે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા નીચે ધરણા પર બેઠા હતા. સસ્પેન્શન પાછું ખેંચવાની માંગણી કરતા સાંસદોએ કહ્યું કે જ્યાં સુધી તેમની માંગ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે. આ દરમિયાન સપા સાંસદ જયા બચ્ચન તેમને પ્રોત્સાહિત કરવા ત્યાં પહોંચ્યા અને તેમને ચોકલેટ, બિસ્કિટ આપ્યા હતા. સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમા નીચે ધરણા કરી રહેલા વિરોધીઓને જયા બચ્ચન ચોકલેટ અને બિસ્કિટ વહેંચતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. તેમણે સાંસદોને બિસ્કિટ અને ચોકલેટ આપતા કહ્યું કે વિરોધ ચાલુ રાખવા માટે ઊર્જાની જરૂર પડશે. તેમણે વિરોધ કરી રહેલા સાંસદોને કહ્યું, ઉર્જા માટે તે ખૂબ જ જરૂરી છે, જેથી તમે સરકાર સામે ધરણા પર બેસી શકો. જે નેતાઓને ‘અશિષ્ટ વર્તર્ન માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓનાં ૧૨ સભ્યોનો સમાવેશ થાય છે. સંસદનાં શિયાળુ સત્રનાં બાકીનાં સમય માટે તેમને રાજ્યસભાનાં સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.