કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. ભારતમાં પણ ઓમિક્રોનના ૨ કેસ સામે આવ્યા છે. ત્યારે આ બધા વચ્ચે રાજસ્થાનના જયપુરમાં દક્ષિણ આફ્રિકાથી પાછા ફરેલા એક જ પરિવારના ૪ સદસ્યો કોરોના પોઝિટિવ નોંધાયા છે.
જાણવા મળ્યા મુજબ પરિવારના ૯ લોકો ૨૫ નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા હતા. પરિવારના સદસ્યોમાંથી માતા-પિતા અને તેમની ૮ અને ૧૫ વર્ષની ૨ દીકરીઓ સંક્રમિત આવી છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે, આ લોકોના સંપર્કમાં આવેલા ૧૨ લોકોમાંથી ૫ સદસ્યો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
ઓમિક્રોનનો પહેલો કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો. તેવામાં આ કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને સૌને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા તમામ લોકોનું જીનોમ સિક્વન્સિંગ કરાવવામાં આવ્યું છે. જાકે હજુ સુધી રિપોર્ટ નથી આવ્યો અને રિપોર્ટ આવ્યા બાદ જ તેઓ કોરોનાના કયા વેરિએન્ટથી સંક્રમિત છે તેની પૃષ્ટિ થઈ શકશે. જાકે તમામ સદસ્યોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલા છે અને તેમનામાં કોઈ પણ જાતના લક્ષણો નથી દેખાઈ રહ્યા.