પૂર્વ મંત્રી અને સુરનકોટથી ભાજપના ઉમેદવાર મુસ્તાક અહેમદ શાહ બુખારીનું બુધવારે જમ્મુ અને કાશ્મીરમાં મતદાન સમાપ્ત થયાના એક દિવસ બાદ અવસાન થયું હતું. બુખારી પુંછ જિલ્લામાં તેમના ઘરે હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું. બુખારી ૭૫ વર્ષના હતા અને તેમના પરિવારમાં તેમની પત્ની, બે પુત્રી અને એક પુત્ર છે. બીજેપીના એક નેતાએ જણાવ્યું કે બુખારી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને સવારે લગભગ ૭ વાગે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું.
સુરનકોટના બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા બુખારી આ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્દ્ર દ્વારા તેમના પહાડી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જા આપ્યા બાદ ભાજપમાં જાડાયા હતા. તેમને સુરનકોટથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જે ૨૫ સપ્ટેમ્બરે બીજા તબક્કામાં ૨૫ અન્ય મતવિસ્તારો સાથે ચૂંટણીમાં ગયા હતા.
બુખારીએ ફેબ્રુઆરી ૨૦૨૨માં નેશનલ કોન્ફરન્સ સાથેનો તેમનો ચાર દાયકાનો સંબંધ તોડી નાખ્યો હતો. વાસ્તવમાં, પાર્ટી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા સાથે અનુસૂચિત જનજાતિના દરજ્જાને લઈને તેમનો વિવાદ થયો હતો, જેના પછી તેમણે પાર્ટી છોડી દીધી હતી. ભાજપના જમ્મુ અને કાશ્મીર એકમના પ્રમુખ રવિન્દ્ર રૈના અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓએ બુખારીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રૈનાએ કહ્યું, “બુખારી એક જન લીડર હતા અને તેમના નિધનથી એક ખાલીપો સર્જાયો છે જેને ભરવો ખૂબ જ મુશ્કેલ છે.”
ભાજપે સુરનકોટથી બુખારીને મેદાનમાં ઉતાર્યા હતા. આ સીટ પર બીજા તબક્કામાં ૨૫ સપ્ટેમ્બરે અન્ય ૨૫ સીટો સાથે મતદાન થયું હતું. ૮ ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.