ચક્રવાત ‘જવાદ’ નબળું પડીને ઉંડા દબાણમાં ફેરવાઇ ગયું છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં સરકયુલેશન વિકસિત થયું છે. આ કારણે વ્યાપક મોસમી ફેરફાર જોવા મળી શકે છે. સમાચાર એજન્સી પીટીઆઇના અહેવાલ મુજબ જમ્મુ-કાશ્મીર અને અન્ય પહાડી વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી હળવાથી ભારે હિમવર્ષા થશે. એટલું જ નહીં ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની અપેક્ષા છે. આના કારણે દેશના ઘણા ભાગોમાં ઠંડો શિયાળો શરૂ થવાની ધારણા છે.
અહેવાલ મુજબ જમ્મુ-કાશ્મીરમાં બે દિવસ સુધી હળવાથી ભારે હિમવર્ષા થશે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવાર સાંજ સુધી હિમવર્ષા થવાની આગાહી છે. કાશ્મીરના મેદાની વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ હિમવર્ષા થવાની ધારણા છે જયારે ઉચ્ચ વિસ્તારોમાં છ થી સાત ઇંચ હિમવર્ષા થવાની ધારણા છે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ અને હિમવર્ષાની શકયતા છે. બંને પ્રદેશોમાં ઉચા વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની શકયતા છે. જેના કારણે ઉત્તર ભારતના ભાગોમાં ઠંડી શરૂ થશે. બંગાળના ઘણા ભાગોમાં વ્યાપક વરસાદ થશે બીજી તરફ ચક્રવાત ‘જવાદ’ નબળુ પડવાને કારણે અને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાના કારણે દેશના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. તે ધીમે ધીમે ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફ પશ્ચિમ બંગાળના કિનારા તરફ આગળ વધશે. જેના કારણે ઉત્તર અને દિક્ષણ ૨૪ પરગણા, કોલકાત્તા, હાવડા અને પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિક્ષણ બંગાળના વિવિધ ભાગોમાં દિક્ષણ -૨૪ પરગણા અને પૂર્વ મેદિનીપુર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો અને પૂર્વ વર્ધમાનના કેટલાક ભાગો સહિત ભારે વરસાદની આગાહી છે.આને જોતા વહીવટી તંત્રે પ્રવાસીઓને દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવા જણાવ્યું હતું.
ખાનગી હવામાન આગાહી કરતી એજન્સી, સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, આગામી ૨૪ કલાક દરમિયાન, તટીય પશ્ચિમ બંગાળ, મણિપુર, મિઝોરમ, દરિયાકાંઠાના ઓડિશા અને ત્રિપુરાના અલગ ભાગોમાં હળવાશી મધ્યમ વરસાદની શકયતા છે. બીજી તરફ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને ઝારખંડના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. લક્ષદ્વીપ, આંદમાન-નિકોબાર ટાપુઓ, મેઘાલય, નાગાલેન્ડ, પંજોબ, હરિયાણા અને ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. બીજી તરફ, દિલ્હી- એનસીઆરના વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે.