જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો આતંકવાદીઓ સામે સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. દરમિયાન, સુરક્ષા દળોએ માછિલ સેક્ટરમાં આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો છે અને મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. સમગ્ર દક્ષિણ કાશ્મીરમાં સેના અને પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અનંતનાગ, કુલગામ, પુલવામા, કુપવાડા અને શોપિયાંમાં સર્ચ ચાલુ છે.
ગુપ્ત માહિતીના આધારે, શનિવારે (૨૬ એપ્રિલ) ના રોજ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ કેમ્પ માછીલ અને ભારતીય સેનાના ૧૨ શીખલી યુનિટે કુપવાડા પોલીસ સ્ટેશન અને પોલીસ પોસ્ટ માછીલના અધિકારક્ષેત્ર હેઠળ આવતા મુશ્તાકબાદ માછીલ (સમશા બેહક ફોરેસ્ટ એરિયા) ના સેદોરી નાલાના જંગલ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન, એક આતંકવાદી ઠેકાણું સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યું અને તેનો નાશ કરવામાં આવ્યો.
ઘટનાસ્થળેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો, જેમાં ૫ છદ્ભ-૪૭ રાઈફલ, ૮ એકે-૪૭ મેગેઝિન, ૧ પિસ્તોલ અને દારૂગોળો તેમજ અન્ય હથિયારોનો સમાવેશ થતો હતો. આ રિકવરી એક મોટી સફળતા છે. એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓ વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના હેતુથી કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. સુરક્ષા દળો દ્વારા સમયસર કરવામાં આવેલી કાર્યવાહીથી તેમના નાપાક ઇરાદાઓને મોટો ફટકો પડ્યો છે અને નાગરિક જીવન અને જાહેર સલામતી માટેના સંભવિત જાખમોને ટાળી દેવામાં આવ્યા છે.
આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આવતા-જતા દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા ૪૮ કલાકમાં ૧૭૫ થી વધુ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સેનાએ ૭ આતંકવાદીઓના ઘરોનો નાશ કર્યો છે. સેનાએ શોપિયાંમાં આતંકવાદી શાહિદ અહમદ કુટીનું ઘર, પુલવામામાં આતંકવાદી હરિસ અહમદનું ઘર, ત્રાલમાં આતંકવાદી આસિફ શેખનું ઘર, અનંતનાગમાં આતંકવાદી આદિલ ઠોકરનું ઘર, પુલવામામાં આતંકવાદી હરિસ અહમદનું ઘર અને કુલગામમાં આતંકવાદી ઝાકિર અહમદ ગનાઈનું ઘર નષ્ટ કરી દીધું છે. આ ઉપરાંત ૨ આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.