વિધાનસભામાં પૂછાયેલા સવાલના લેખિત જવાબમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં જમીનને નોન-એગ્રીકલ્ચર (એનએ)માં ફેરવવાથી સરકારને છેલ્લા બે વર્ષમાં ૧૯૩ કરોડ રૂપિયા કરતાં વધુ આવક થઈ હોવાનું સામે આવ્યું છે. આ માહિતી કોંગ્રેસ ના ધારાસભ્ય શૈલેષ પરમાર ના સવાલના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની સ્થિતએ, અમદાવાદ જિલ્લામાંથી ૧૬૫ કરોડ રૂપિયા કરતાં વધુ અને ગાંધીનગર જિલ્લામાંથી ૨૭ કરોડ રૂપિયા કરતાં વધુ આવક સરકારને પ્રાપ્ત થઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લોમાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૨ કરોડ ૯૯ લાખ ૮૭ હજાર ૩૦૯ ચોરસ મીટર અને વર્ષ ૨૦૨૫ દરમિયાન ૫ કરોડ ૧૧ લાખ ૨૭ હજાર ૯૯૧ ચોરસ મીટર જમીન એનએ કરવામાં આવી છે.
જ્યારે ગાંધીનગર જિલ્લો માં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૯૬ લાખ ૯૮ હજાર ૪૫૯ ચોરસ મીટર અને વર્ષ ૨૦૨૫ દરમિયાન ૧ કરોડ ૧૩ લાખ ૪૫ હજાર ૨૮૦ ચોરસ મીટર જમીન એનએ થઈ છે. પરંતુ આવક સાથે જ ખેતીલાયક જમીન ઘટવાનો મુદ્દો પણ ચિંતાજનક છે. અમદાવાદ જિલ્લામાં ૮ કરોડ ૧૧ લાખ ૧૫ હજાર ૨૦૦ ચોરસ મીટર ખેતીલાયક જમીન ઓછી થઈ છે, જ્યારે ગાંધીનગર જિલ્લામાં ૨ કરોડ ૧૦ લાખ ૪૩ હજાર ૭૩૯ ચોરસ મીટર ખેતીલાયક જમીન ઘટી છે.
બંને જિલ્લાઓ મળી કુલ ૧૦ કરોડ ૨૧ લાખ ૫૮ હજાર ૯૩૯ ચોરસ મીટર ખેતીલાયક જમીન ઘટી છે જે કૃષિ અને ભવિષ્યના ખાદ્ય સુરક્ષા દ્રષ્ટિએ ગંભીર મુદ્દો માનવામાં આવી રહ્યો છે. એક તરફ સરકારને એનએથી કરોડોની આવક થઈ રહી છે, તો બીજી તરફ ખેતીલાયક જમીન સતત ઘટી રહી છે. વિકાસ અને કૃષિ વચ્ચેનું સંતુલન કેવી રીતે જળવાશે એ હવે નીતિનિર્માતાઓ માટે મોટો પ્રશ્ન બની રહ્યો છે.