(૧) ચોઘડિયા અને મુહૂર્ત જોઈ લગ્ન થાય છે છતાં છૂટાંછેડાના કિસ્સા કેમ બને છે?
ડાહ્યાભાઈ આદ્રોજા (લીલિયા મોટા)
વકીલો પણ ચોઘડિયા અને મુહૂર્ત જોઈને જ વકીલાત શરૂ કરે છે!
(૨) પંખાને આપણે ઉંધો ફેરવીને ચાલુ કરીએ તો પણ એ સીધો જ કેમ ફરે છે?
નિદા નસીમ (ઉના)
પંખાને પણ ખબર હોય છે કે ઊંધા ચાલવામાં કોઈ ફાયદો નથી.
(૩) આ ગરમી કઈ સ્કૂલમાં ભણવા ગઈ હશે તો એની પાસે આટલી બધી ડિગ્રી છે?
ચાંદની એમ. ધાનાણી (અમદાવાદ)
સૂર્ય યુનિવર્સિટી.
(૪) અમારા ગોરદાદા વિધિ કરવા આવે ત્યારે બહુ ગુસ્સો કરે છે તો શું કરવું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
ગોરાણીમાના કાને વાત નાખો. બધું રેડી થઈ જશે.
(૫) લેખકની પહેલી વાર્તા એની આત્મકથા હોય છે એ વાત સાચી હશે?
રામભાઈ પટેલ (સુરત)
એટલે જ મે ડાયરેક્ટ બીજી વાર્તા જ લખી છે.
(૬) જમાઇને સાસરીમાં કેમ માન આપવામાં આવે છે ?
હાફીઝ રિયાઝ સેલોત (રાજુલા)
આ બાજુ બે દિવસ માન આપે છે. બહુ રોકાય તો તબતબાવે છે.
(૭) “એક બિલાડી જાડી એણે પહેરી સાડી” કવિતા મને હજુ યાદ છે પણ લગ્ન પછી ઘરમાં હવે ગાઉં તો ડખ્ખા થાય છે.
કનુભાઈ પરમાર (દામનગર)
સાડીને બદલે લેગીઝ ટ્રાય કરો!
(૮) સિકંદર અને દુર્યોધનમાં તફાવત શું છે?
કનુ બાપુ (ભંડારિયા)
મને તો એ બેમાં કાંઈ સમાનતા પણ દેખાતી નથી.
(૯) ગોલ્ડનો ભાવ વધતા સ્ટાર ગોલ્ડનો ભાવ વધતો હશે ખરો?
આસિફ કાદરી (રાજુલા)
મારી અટક દવે છે સોની નહિ!
(૧૦) અમેરિકાના રાષ્ટ્રપતિ માતાજીનો માંડવો કરે તો ભૂવાને ડાકલા કયાંથી બોલાવે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
આજે પણ અમેરિકા ઈશારો કરે એટલે ઘણા દેશો ધુણવા માંડે છે!
(૧૧) આ ભરઉનાળામાં ફરવા જવાય કૅ નહિ?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
ઘરે મહેમાનો ભીંસ કરી ગયા લાગે છે!
(૧૨) મારો હાથ જોઈને તમે કહી શકો કે હું કેટલો આગળ વધી શકીશ?
દર્શન પટેલ (વડોદરા)
ના, પગ જોઈને કહી શકું!
(૧૩) નામ પાડવાનો અધિકાર ફઇને કોણે આપ્યો હશે?
કનુભાઈ જીવનભાઈ (અમદાવાદ)
તાજાતાજા ફુવા બન્યા લાગો છો.
(૧૪) ઢીંગલી તારા માંડવા રોપ્યા ઢોલ વાગે ઢમઢમ ઢીંગલીના લગ્નમાં ઢોલ હોય?
નીરવ ડણાક (અમરેલી)
હા હજી ડીજે બધે પહોંચ્યું નથી.
(૧૫) હિંમતવાન પુરુષ કોને કહેવાય?
રમાબેન પટેલ (અમદાવાદ)
જે પોતું કર્યું હોવા છતાં ઘરમાં આંટા મારી શકે એને.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..