કેન્દ્ર સરકારના જળ સંસાધનમંત્રી પ્રહલાદ પટેલે વસતિ કાયદા અંગે નિવેદન આપ્યું છે. મોદી સરકારના ૮ વર્ષ પૂરાં થવાને કારણે રાયપુર આવ્યા હતા. અહીં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશમાં વસતિ નિયંત્રણ માટે એક બિલ લાવશે. જ્યારે પત્રકારોએ તેમની પાસેથી આ કાયદા વિશે માહિતી માગી તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું- વસતિ નિયંત્રણ બિલ ટૂંક સમયમાં આવશે, ચિંતા ન કરો.
પટેલે વધુમાં જણાવ્યું હતું કે આવા મોટા અને મજબૂત નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે બાકીના નિર્ણયો પણ ટૂંક સમયમાં આવશે. છત્તીસગઢની કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે રાજ્યની નેતાગીરી કેન્દ્રની યોજનાઓને પણ લાગુ કરી શકી નથી. પ્રહલાદ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અત્યાર સુધીમાં જલ જીવન મિશનના લક્ષ્યાંકના માત્ર ૨૩ ટકા જ હાંસલ કરી શકી છે, જ્યારે સમગ્ર દેશમાં સરેરાશ ૫૦ ટકાની નજીક છે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલે જેનો ઉલ્લેખ કર્યો એ વસતિ નિયંત્રણ બિલ આ દિવસોમાં સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે. બે કરતાં વધુ બાળકો હોય તો સરકારી સુવિધાઓથી વંચિત રાખવા બિલ ભલામણ કરે છે. ઝડપથી વધી રહેલી વસતી ભારત માટે એક ગંભીર સમસ્યા બની ગઈ છે. આ જ કારણ છે કે હવે દેશના ઘણા ભાગોમાં વસતી નિયંત્રણ સંબંધિત કાયદાઓ બનાવવાની માંગ છે. ભાજપના સાંસદોએ રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું, આ બિલમાં દેશમાં વસતી નિયંત્રણ માટે કડક કાયદા બનાવવાની વાત કરવામાં આવી છે.
બિલમાં બે કે તેથી વધુ બાળકો હોવાને કારણે સરકારી સુવિધાઓથી માતાપિતાને વંચિત રાખવાની ભલામણ કરવામાં આવી છે. આનું ઉલ્લંઘન થાય તો, સરકારી નોકરીમાંથી કાઢી નાખવા, મત આપવાના અધિકારથી વંચિત, ચૂંટણી લડવાના અધિકારથી વંચિત અને રાજકીય પક્ષ રચવા જેવી જાગવાઈઓનો અમલ કરવાનું કહેવામાં આવ્યું છે. એક બાળક ધરાવતા માતા-પિતાને સરકારી નોકરીમાં પસંદગી જેવી સુવિધાઓ આપવાની ભલામણ કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યની વસતિ નીતિ ૨૦૨૧-૨૦૩૦ની ઘોષણા કરી હતી. આ બિલનો ઉદ્દેશ યુપીમાં જન્મદર ૨૦૨૬ સુધીમાં ૨.૧ પ્રતિ હજાર વસતિ અને ૨૦૩૦ સુધીમાં ૧.૯ પર લાવવાનો છે. હાલમાં રાજ્યમાં જન્મદર પ્રતિ હજાર ૨.૭ છે.
ઉલ્લેખનીય છે કે યુપી સરકારના આ બિલની જાગવાઈ મુજબ રાજ્યમાં બેથી વધુ બાળકો પેદા કરવા માટે સરકારી નોકરીઓમાં અરજી અને પ્રમોશનની કોઈ તક રહેશે નહીં. આ સાથે બેથી વધુ બાળકો ધરાવતા ૭૭ સરકારી યોજના અને અનુદાનથી વંચિત રહેવાની જાગવાઈ છે. જા આ અમલમાં આવે તો એક વર્ષની અંદર તમામ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સોગંદનામું આપવું પડશે કે તેઓ તેનું ઉલ્લંઘન નહીં કરે. કાયદો ઘડાયા સમયે તેને માત્ર બે બાળક છે અને જા સોગંદનામું આપ્યા બાદ તે ત્રીજા બાળકને જન્મ આપે તો પ્રતિનિધિની ચૂંટણી રદ કરવા અને ચૂંટણી ન લડવાનો પ્રસ્તાવ આવશે. એટલું જ નહીં, સરકારી કર્મચારીઓને બરતરફીની ભલામણ પણ છે.