જનરલ બિપિન રાવતના આકસ્મિક નિધનથી આખો દેશ સ્તબ્ધ છે.
દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતને લઈને જતું ઈન્ડિયન એરફોર્સનું હેલિકોપ્ટર તમિલનાડુમાં તૂટી પડ્યું એ ઘટનાએ લોકોને આંચકો આપી દીધો છે. જનરલ રાવત સાથે તેમનાં પત્નિ મધુલિકા અને કેટલાક લશ્કરી અધિકારીઓ પણ હતા. આ પૈકી એક અધિકારીને બાદ કરતાં બાકીના તમામ લોકોના મોત થયાં. ભારતમાં લશ્કર સાથે સંકળાયેલા આટલા ઉચ્ચાધિકારી એક સાથે મોતને ભેટ્યા તેથી લોકોને આઘાત લાગે એ સ્વાભાવિક છે.
જનરલ બિપિન રાવતની લશ્કરી કારકિર્દી યશસ્વી છે. ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં આતંકવાદનો સફાયો કરવાનો યશ જનરલ રાવતને અપાય છે. જો કે દેશનાં સામાન્ય લોકોને જનરલ રાવત વધારે પસંદ તેમના મર્દાના મિજાજના કારણે હતા. જનરલ રાવત પાકિસ્તાન સાથે મંત્રણા કે ચર્ચાના બદલે ડાયરેક્ટ એક્શનના તરફદાર હતા.
સામન્ય રીતે લશ્કરી અધિકારીઓ લશ્કરી શિસ્તના કારણે જાહેરમાં બોલતા નથી. જનરલ રાવત માટે દેશનું હિત સર્વોચ્ચ હતું તેથી એ કોઈનાથી ડર્યા વિના પોતાના અભિપ્રાય આપતા. દેશના હિતમાં કેવાં લશ્કરી પગલાં લેવાં જોઈએ તેની વાત કરતા.
આ મર્દાન મિજાજના કારણે જ ભારતીય લશ્કરના વડા રહી ચૂકેલા જનરલ બિપિન રાવતની દેશના પહેલા સીડીએસ તરીકે નિમણૂક કરાઈ હતી. 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી લશ્કરી વડા રહ્યાં બાદ 1, જાન્યુઆરી 2020નાંથી રાવતે દેશના પહેલા સીડીએસ બનીને ઈતિહાસ રચ્યો હતો. આપણી લશ્કરની ત્રણેય પાંખના વડા અલગ અલગ હોય છે પણ આ ત્રણેય પાંખ વચ્ચે સંકલન માટે કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)નો હોદ્દો ઉભો કર્યો છે.
જનરલ રાવત ભારતીય લશ્કરમાં સર્વોચ્ચ હોદ્દા પર પહોંચ્યા પછી તેમણે પાકિસ્તાન અને ચીન સામે આક્રમક વલણની સતત તરફેણ કરી. લશ્કરના આ મિજાજ સાથે સત્તાધીશો તાલ મિલાવે એ માટે એ સતત મથતા રહ્યા.
/////////////////////////////
જનરલ રાવતની ગણના ભારતના સૌથી મહાન લશ્કરી વડાઓમાં થાય છે.
ભારતમાં બહુ ઓછા લશ્કરી વડા ફોર સ્ટાર રેન્ક સુધી પહોંચ્યા છે. જનરલ રાવત આ સિધ્ધી મેળવનારા ગણતરીના લશ્કરી વડાઓમાં એક હતા. 15 જાન્યુઆરી, 1949ના દિવસે ભારતીય લશ્કરનો હવાલો સંપૂર્ણપણે ભારતને સોંપાયો હતો. દેશ આઝાદ થયો ત્યારે ભારતીય લશ્કર પર અંગ્રેજોનો અંકુશ હતો. સર લોકહાર્ટ ભારતીય લશ્કરના કમાન્ડર ઈન-ચીફ હતા. 1 જાન્યુઆરી, 1948ના રોજ જનરલ સર ફ્રાન્સિસ બુચર ભારતના બીજા કમાન્ડર ઈન-ચીફ બન્યા. એક વર્ષ પછી 15 જાન્યુઆરી, 1949ના દિવસે તેમણે લેફ્ટનન્ટ જનરલ કાડાન્ડેરા એમ. કરીઅપ્પાને ભારતીય લશ્કરના કમાન્ડર ઈન-ચીફ તરીકેનો ચાર્જ સોંપ્યો.
પાકિસ્તાન સામેના 1947ના પહેલા યુધ્ધ વખતે બજાવેલી જોરદાર કામગીરી બદલ જનરલ કરીઅપ્પાને ફિલ્ડ માર્શલનો ખિતાબ અપાયેલો. ભારતના ઈતિહાસમાં માત્ર બે જ લશ્કરી વડાને આ સન્માન મળ્યું છે. 1971ના યુધ્ધમાં ભારતને ભવ્ય વિજય અપાવીને પાકિસ્તાનનાં ઉભાં ફાડિયાં કરી નાંખનારા જનરલ સેમ માણેકશા ફિલ્ડ માર્શલ બનનારા બીજા લશ્કરી વડા હતા. ફિલ્ડ માર્શલ વિશ્વમાં કોઈ પણ દેશના લશ્કરમાં સર્વોચ્ચ રેન્ક ગણાય છે.
જનરલ રાલત આ બે મહાન સેનાપતિ પછીની હરોળના લશ્કરી વડા હતા.
આ કારણસર જ દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફની પસંદગી કરવાની આવી ત્યારે જનરલ રાવત સર્વસંમત પસંદગી હતા. દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફની પસંદગી માટે ઓછામાં ઓછી લાયકાત ફોર સ્ટાર રેન્ક અધિકારીની હતી. જનરલ બિપિન રાવત ફોર સ્ટાર રેન્કના અધિકારી હોવાથી દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બન્યા. ફિલ્ડ માર્શલ ફાઈવ સ્ટાર રેન્કના અધિકારી ગણાય છે.
જનરલ રાવત પોતે જનરલ કરીઅપ્પા ને જનરલ માણેકશાની જેમ ફાઈવ સ્ટાર રેન્કના અધિકારી નહોતા પણ તેમની કારકિર્દીમાં તેમણે કરેલાં પરાક્રમોના કારણે તેમને જનરલ કરીઅપ્પા અને જનરલ માણેકશાની સાથે જ યાદ કરાય છે.
/////////////////////////////
જનરલ બિપિન રાવતે ભારતીયોને ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કોને કહેવાય તેનો અહેસાસ પહેલી વાર કરાવેલો.
ભારત આતંકવાદ સામે વરસોથી લડે છે. ભારતને કનડતા મોટા ભાગના આતંકવાદીઓને પાડોશી દેશો પોષે છે. આપણા પાડોશી દેશો આતંકવાદીઓને તન,મન, ધનથી મદદ કરે છે. આ દેશોમાં આતંકવાદી કેમ્પો ધમધમે છે. આપણને પરેશાન કરીને આતંકવાદીઓ આ પાડોશી દેશોમાં ઘૂસી જાય છે એ પણ વરસોથી ચાલે છે પણ આતંકવાદીઓને આ પાડોસી દેશોમાં ઘૂસીને મારવાની મર્દાનગી કોઈ નહોતું બતાવી શકતું.
જનરલ રાવતે એ મર્દાનગી બતાવી હતી.
ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં સંખ્યાબંધ આતંકવાદી સંગઠનો કામ કરે છે. આ પૈકી યુએનએફએલડબલ્યુ નામના આતંકવાદી સંગઠનના આતંકવાદીઓએ 4 જૂન, 2015ના રોજ મણિપુરના ચંદેલ જિલ્લામાં આપણા જવાનો પર હુમલો કરીને 18 જવાનોની હત્યા કરી નાંખી હતી. આ હુમલાએ આખા દેશને હચમચાવી દીધો હતો. ઉત્તર-પૂર્વમાં પહાડી વિસ્તારો અને ગાઢ જંગલો ચે તેથી આતંકવાદીઓ ગાયબ થઈ ગયેલા. આ રાજ્યો મ્યાનમાર સરહદની નજીક છે. મ્યાનમારમાં આ સંગઠનોના કેમ્પ ધમધમે છે તેથી આતંકવાદીઓ હુમલા કરીને મ્યાનમારમાં ઘૂસી ગયા હતા.
સૌએ માની લીધેલું કે, ભૂતકાળની જેમ આ વખતે પણ આપણે આતંકવાદીઓ સામે લડવાનાં થૂંક ઉડાડીને બેસી જઈશું પણ જનરલ રાવતે કંઈક અલગ કરવાનું ધારેલું. જનરલ રાવત એ વખતે લશ્કરની થર્ડ કોર્પ્સના કમાન્ડર હતા. તેમણે સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું નક્કી કર્યું અને આતંકવાદી હુમલાના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપીને એકસામટા 150થી વધારે આતંકવાદીઓનું રામ બોલો ભાઈ રામ કરી નાંખ્યું હતું.
જનરલ રાવતે કરેલા પ્લાનિંગ પ્રમાણે 9 જૂને વહેલી પરોઢિયે ત્રણ વાગે આપણા એરફોર્સનાં વિમાનો મણિપુર ને નાગાલેન્ડ સરહદેથી મ્યાનમાર સરહદમાં ઘૂસ્યાં. બે અલગ અલગ સ્થળે આપણા ખાસ તાલીમ પામેલા પેરા કમાન્ડોની બનેલી પેરાશૂટ રેજિમેન્ટના જવાનોને આતંકવાદી સંગઠન એનએસસીએન (કે)ના બે કેમ્પની પાસે ઉતાર્યા. એરફોર્સનાં વિમાનો જવાનોને ઉતારીને પાછાં આવતાં રહ્યાં. આપણા જવાનો ચૂપકીદીથી આતંકવાદીઓના કેમ્પ તરફ આગળ વધ્યા ને આતંકવાદીઓને કંઈ ખબર પડે એ પહેલાં તો આપણા જવાનો તૂટી પડ્યા.
મોટા ભાગના આતંકવાદીઓનો આપણા જવાનોએ ઉઠવાની પણ તક નહોતી આપી. તેમનો ઉંઘમાં જ ઘડોલાડવો કરી નાખ્યો હતો. જે બચી ગયેલા આતંકવાદીઓ ગભરાટમાં જાગ્યા ચારે બાજુ લાશો જ લાશો પડેલી હતી. આપણું લશ્કર આ અપ્રતિમ સાહસના પુરાવારૂવે આ બંને કેમ્પમાંથી છ આતંકવાદીને આપણ જવાનો પકડીને અહીં લઈ આવ્યા હતા.
ભારતે એ પછી પુલવામા અને ઉરીમાં પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓએ કરેલા હુમલાના જવાબમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને પણ ખોખરું કર્યુ. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ઘૂસીને ભારતીય લશ્કરે ત્રણ વાર સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકવાદી કેમ્પોનો સફાયો કર્યો, સેંકડો આતંકવાદીને ઠાર માર્યા. ભારતીય જવાનોની આ હિંમત પર આખો દેશ વારી ગયેલો.
આ હિંમતની પ્રેરણા જનરલ રાવતે આપી હતી.
/////////////////////////
જનરલ રાવત એક અધૂરા સપના સાથે વિદાય થયા.
જનરલ રાવતનું સપનું પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ને ભારતમાં ભેળવીને અખંડ કાશ્મીર પર ભારતનો કબજો કરવાનું હતું. જનરલ રાવતે ભારતના સત્તાધીશોને પીઓકે પર કબજો કરવા માટે લશ્કરી કાર્યવાહી કરવા બહુ પાણી ચડાવ્યું હતું પણ કમનસીબે તેમના પ્રયત્નો સફળ ના થયા.
જનરલ રાવતે લશ્કરી વડા હતા ત્યારે સંકેત આપી દીધેલો કે, ભારત સરકાર એક ઈશારો કરશે કે તરત ભારતીય લશ્કર ઓપરેશન પાર પાડીને પીઓકેને ભારતમાં ભેળવી દેશે. જનરલ રાવતે સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે, આપણી સંસદે વરસો પહેલાં જ સમગ્ર કાશ્મીર ભારતનું છે એવો ઠરાવ કર્યો હતો તેથી પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) ભારતનું જ છે. તેમાં કોઈ શંકા નથી. ભારતનું લશ્કર એવું જ માને છે પણ લશ્કર પાસે નિર્ણય લેવાની સત્તા નથી. ભારતમાં સંસદ સર્વોપરિ છે અને ભારતની સંસદ ઈચ્છતી હોય કે, પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ને ભારત સાથે ભેળવી દેવાય તો સંસદ અણને માત્ર આદેશ આપે, પીઓકે ભારતનું હશે, અખંડ કાશ્મીર ભારતનું હશેય
કમનસીબે આપણા સત્તાધીશો કે સંસદ એ હિંમત ના બતાવી શક્યાં.
જનરલ રાવતે એ પછી પણ હલ્લાબોલ કરીને પીઓકે પર કબજો કરવાની હિંમત બતાવવા કહેલું પણ તેમની ઈચ્છા ના ફળી. પીઓકે પર કબજો કરીને આતંકવાદની સમસ્યાનો કાયમી નિવેડો અને પાકિસ્તાનને જીંદગીભર ના ભૂલાય એવો પાઠ ભણાવવાની જનરલ રાવતની ઈચ્છા મનમાં જ રહી ગઈ.
જનરલ રાવત લોખંડી મનોબળ ધરાવતા લશ્કરી માણસ હતા પણ સત્તાધીશો એવું લોખંડી મનોબળ ના બતાવી શક્યા.
જનરલ રાવતને મહાન દેશભક્ત ગણાવીને અત્યારે શ્રધ્ધાંજલિઓ અપાઈ રહી છે. જનરલ રાવતે લશ્કરી અધિકારી તરીકે કરેલી કામગીરીનાં વખાણ કરાઈ રહ્યાં છે એ બરાબર છે પણ જનરલ રાવતને સાચી શ્રધ્ધાંજલિ આ ઠાલા શબ્દો નથી. જનરલ રાવત ભારતના ઈતિહાસમાં કોઈએ ના કર્યું હોય એવું પરાક્રમ કરીને જવા માંગતા હતા, પીઓકેને પાછું લેવા માંગતા હતા.
આપણા સત્તાધીશોએ ભારતીય લશ્કરને જનરલ રાવતની આ ઈચ્છા પૂરી કરવાની મંજૂરી આપીને તેમને સાચી શ્રધ્ધાંજલિ આપવી જોઈએ.