પેટ્રોલ-ડીઝલનાં ભાવ સ્થિર થયા બાદ હવે અન્ય ચીજ-વસ્તુઓનાં ભાવ વધારાથી સામાન્ય નાગરિક પર બોજો વધી ગયો છે. સામાન્ય માણસને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. સીએનજી અને જે પાઈપ દ્વારા ઘરો સુધી પહોંચે છે પીએનજીનાં ભાવમાં વધારો થયો છે.રિપોર્ટ્સ અનુસાર, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (એસએનજી)ની કિંમતમાં પ્રતિ કિલોગ્રામ રૂ. ૨ અને પીએનજીની કિંમતમાં રૂ. ૧.૫૦ પ્રતિ યુનિટનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં સીએનજીની કિંમત વધીને ૬૩.૫૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. વળી, મુંબઈમાં જ પીએનજીની કિંમત વધીને ૩૮ રૂપિયા પ્રતિ યુનિટ થઈ ગઈ છે.
આપને જણાવી દઈએ કે, મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં છેલ્લા ૧૧ મહિનામાં સીએનજીની કિંમતમાં પ્રતિ કિલો ૧૬ રૂપિયાનો વધારો થયો છે. મુંબઈ ઉપરાંત ઉન્નાવ, લખનઉ અને આગ્રામાં પણ સીએનજીઅને ઁપીએનજીનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, ગેસની ખરીદ કિંમતમાં વધારો થવાને કારણે કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ૪ ડિસેમ્બરે ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં સીએનજીની કિંમતમાં વધારો કર્યો હતો. કિંમતોમાં વધારા બાદ દિલ્હીમાં સીએનજીની કિંમત ૫૩.૦૪ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. સીએનજીનાં ભાવમાં ફેરફારની સીધી અસર ૩ લાખ પર્સનલ કાર યુઝર્સ પર પડી છે. આ સિવાય ઓટો, ટેક્સી અને બસ જેવા સાર્વજનિક પરિવહનમાં મુસાફરી કરતા લોકો આ વધારાથી પ્રભાવિત થયા છે.
છેલ્લા ત્રણ મહિનામાં ચોથી વખત સીએનજીનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ટેક્સી અને ઓટોરીક્ષા યુનિયન આ વખતે ભાડામાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. આ વર્ષે સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો રૂ. ૧૬નાં વધારા બાદ ટેક્સીનું લઘુત્તમ ભાડું રૂ.૫ અને ઓટોરીક્ષાનું રૂ.૨ વધાર્યું છે.