અમરેલી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદથી ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને લઈ લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ સહાય આપવા
કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. જે મુજબ, લાઠી-બાબરા બન્ને તાલુકામાં તા.૧૪ તેમજ તા.૧૫ મે ર૦ર૪ ના રોજ થયેલ કમોસમી માવઠું (વરસાદ) તેમજ ભારે પવન સાથે વાવાઝોડું આવવાના કારણે ખેડૂતોને ઉનાળુ બાજરી, તલ, મગ, જુવાર જેવા પાકોને બહોળા પ્રમાણમાં નુકસાન થયેલ છે. ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ પોતાની વાડીમાં બનાવેલા મકાનો ધરાશાયી થવાથી ઉપરના પતરા સહિતના સરસામાનને પણ ખુબ જ બહોળા પ્રમાણમાં નુકસાની થઈ છે. લાઠી શહેર તેમજ બાબરા શહેરી વિસ્તારમાં નાના ધંધાર્થી કેબિન ધારકો, ખાણીપીણીની લારીઓ ધરાવતા ધંધાર્થીઓ, જીનીંગ ધારકો, બાબરા જી.આઈ.ડી.સી. ખાતે સંકળાયેલા ધંધાર્થીઓને પણ ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાની થયેલ છે તેમજ ખડૂતોના ખેતરમાં પડેલ નિરણ(ઘાસચારો)ને મોટા પ્રમાણમાં નુકસાની થયેલ હોય તો આ બાબતે સત્વરે સરવે કરાવી ખેડૂતોને પાક નુકસાની અંગેનું વળતર આપવા માંગ છે.