કોંગ્રેસનું નવસર્જન થશે ?

ગુજરાત કોંગ્રેસના પમુખપદે જગદીશ ઠાકોરની વરણી થતાં જ આ સવાલ ફરી પૂછાવા માંડ્યો છે.

ગુજરાતમાં કોંગ્રેસની હાલત અત્યંત ખરાબ છે. ગુજરાતમાં વરસોથી કોગ્રેસ જીતતી નથી ને કોંગ્રેસ ધીરે ધીરે ભૂંસાઈ રહી છે ને શહેરી વિસ્તારોમાંથી તો સાવ સાફ થઈ ગઈ છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં કોંગ્રેસની દયનિય હાલત છતી થઈ ગઈ હતી. કોંગ્રેસ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં  ખાતું પણ ન ખોલાવી શકી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 192 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 13 બેઠકો મળી જ્યારે  રાજકોટ કોર્પોરેશનની 72 બેઠકોમાંથી કોંગ્રેસે માત્ર ચાર બેઠક જીતી હતી. જામનગરમાં  10 બેઠકો જીતી પણ  ભાવનગર અને વડોદરામાં કોંગ્રેસ સિંગલ ડિજિટ પર આવી ગઈ હતી.

કોંગ્રેસ શહેરી વિસ્તારોમાં ભાજપને પછાડી શકતી નથી પણ ગ્રામીણ વિસ્તારોમાં મજબૂત ગણાય છે. જો કે માર્ચ મહિનામાં યોજાયેલી રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 81 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી પછી આ અંગે પણ શંકા થવા લાગી છે. આ ચૂંટણીઓમાં કોંગ્રેસે એક પણ જિલ્લા પંચાયતમાં જીત ના મેળવી શકી.  81 નગરપાલિકામાંથી ભાજપે 70 જીતી  જ્યારે  કોંગ્રેસ માત્ર 7 નગરપાલિકા જીતી શકી. તાલુકા પંચાયતોમાં પણ એ જ સ્થિતી થઈ હતી. રાજ્યની  231માંથી 187 તાલુકા પંચાયત ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીતી જ્યારે કોંગ્રેસને બહુ ઓછી પંચાયતમાં સ્પષ્ટ બહુમતી મળી. લીધી હતી.

આ ચૂંટણી પછી હમણાં ઓક્ટોબરમાં યોજાયેલી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ કોંગ્રેસની ખરાબ હાલત થઈ. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંની 44 બેઠકોમાંથી ભાજપે  41 બેઠકો જીતી જ્યારે કોંગ્રેસને ભાગે માત્ર બે બેઠકો આવી.

આ કોંગ્રેસને જગદીશ ઠાકોર બેઠી કરી શકશે ?

////////////////////////////

જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસના 26મા પ્રદેશ પ્રમુખ છે.

ગુજરાતની સ્થાપના 1960માં થઈ હતી પણ એ વખતે સંયુક્ત કોંગ્રેસ હતી. હાલની કોંગ્રેસ સંયુક્ત કોંગ્રેસનો એક ભાગ છે કે જે 1969માં અસ્તિત્વમાં આવી હતી. 1969માં રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસના ભાગલા પડ્યા હતા. ઈન્દિરા ગાંધી જૂથ અને મોરારજી દેસાઈનું જૂથ અલગ થયું ને બે કોંગ્રેસ અસ્તિત્વમાં આવી. ઈન્દિરાની કોંગ્રેસ (આર) કે પછીથી કોંગ્રેસ (આઈ) બની ને હવે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ કહેવાય છે. મોરારજીની કોંગ્રેસ (ઓ) એટલે કે સંસ્થા કોંગ્રેસ પછીથી જનતા પાર્ટીમાં ભળી ગઈ ને તેનું અસ્તિત્વ મટી ગયું. ગુજરાતમાં અત્યારે જે કોંગ્રેસ છે તે ઈન્દિરાની કોંગ્રેસ છે તેથી તેના પહેલા પ્રમુખ 1969માં કોંગ્રેસના ભાગલા વખતે નિમાયેલા કાન્તિલાલ ઘીયા હતા.

જગદીશ ઠાકોર આ યાદીમાં 26મા નંબરે છે.

કોંગ્રેસમાં એ પછી ઘણા ધુરંધરો આવ્યા પણ તેમની વાત કરવાનો મતલબ નથી. આપણે ભાજપની સર્વોપરિતાના દિવસો પછી આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખોની વાત કરીએ. ગુજરાતમાં ભાજપની સર્વોપરિતાના દિવસો 1995ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત સાથે શરૂ થયા. એ વખતે પ્રબોધ રાવલ પ્રદેશ પ્રમુખ હતા. રાવલ પછી કોંગ્રેસના 8 પ્રદેશ પ્રમુખ આવી ગયા પણ ભાજપને કોઈ પછાડી શક્યું નથી ને કોંગ્રેસનું નવસર્જન કરી શક્યું નથી. રાવલ પછી દક્ષિણ ગુજરાતના જલાલપોરના છગનભાઈ દેવાભાઈ પટેલ ઉર્ફે સી.ડી. પટેલ પ્રદેશ પ્રમુખ બનેલા કે જે ચાર રહ્યા. એ પછી અમરસિંહ ચૌધરી પણ ચાર  વર્ષ રહ્યા. અમરસિંહના નિધનના પગલે આવેલા બી.કે. ગઢવી પણ બે વર્ષ રહ્યા. એ પછી ભરતસિંહ સોલંકી, સિધ્ધાર્થ પટેલ બે-બે વર્ષ રહ્યા ને અર્જુન મોઢવડિયા તો ચાર વર્ષ રહ્યા. 2015માં ફરી ભરતસિંહને પ્રમુખ બનાવાયા કે જે 3 વર્ષ રહ્યા ને તેમના ગયા પછી આવેલા અમિત ચાવડા પણ ઠેક હમણાં લગી એટલે કે ત્રણ વર્ષ રહ્યા.

ભાજપની સર્વોપરિતા તોડીને કોંગ્રેસનું નવસર્જન કરવાની વાતો બધાંએ કરી પણ કોઈ સફળ થયા નથી. આ બધામાં ભાજપ માટે કોઈએ પડકાર ઉભો કર્યો હોય તો એ ભરતસિંહ સોલંકી હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતીને ભાજપને ફીણ પડાવી દીધેલું ને ભાજપ વરસો પછી પહેલી વાર બે આંકડે આવીને 99 બેઠકો પર અટકી ગયેલો, 100 બેઠકોનો આંકડો પાર નહોતો કરી શક્યો. કોંગ્રેસની આ સફળતાનો યશ પાટીદાર અનામત આંદોલન અને હાર્દિક પટેલને જતો હતો પણ ભરતસિંહ સોલંકી એ વખતે પ્રદેશ પ્રમુખ હતા તેથી તેમને પણ થોડો ઘણો યશ આપી શકાય.

ભરતસિંહના સમયમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી એ કબૂલવું પડે પણ ભાજપને સત્તામાંથી ના હટાવી શક્યો.

જગદીશ ઠાકોરે આ ઈતિહાસ બદલવાનો છે.

/////////////////////////

ગુજરાતમાં કોંગ્રેસ કેમ બેઠી થઈ શકતી નથી ?

આ સવાલનો જવાબ માધવસિંહ સોલંકીની ‘ખામ થિયરી’માં છે. ગુજરાતમાં 1980 અને 1985ની વિધાનસભા ચૂંટણીને કોંગ્રેસને અભૂતપૂર્વ સફળતા અપાવનારી મતબેંકના રાજકારણલક્ષી ‘ખામ થિયરી’  માધવસિંહની દેન હતી. ઈન્દિરા ગાંધીએ 1975માં કટોકટી લાદવી પડી તેના કારણે 1977ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર પહેલાં ગુજરાતમાં 1975ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પડીકું થઈ ગયેલું.

કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હોવા છતાં વિપક્ષોએ એક થઈને સરકાર બનાવી અને બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. કોંગ્રેસના પગ તળેથી જમીન સરકી ગયેલી તેથી કોંગ્રેસીઓ શું કરવું તેની મૂંઝવણમાં હતા. ઈન્દિરાએ બાબુભાઈને ઘરભેગા કરીને પહેલી વાર માધવસિંહને મુખ્યમંત્રી બનાવ્યા પણ 1977ની હારે માધવસિંહના શાસનનો અંત લાવી દીધો એ પહેલાં માધવસિંહ અન્ય પછાત વર્ગ (ઓબીસી) અનામત કાર્ડ રમી ચૂક્યા હતા.

કોંગ્રેસ 1977ની હાર પછી શું કરવું તેની મૂંઝવણમાં હતી ત્યારે માધવસિંહ સોલંકી ઓબીસી અનામતનું કાર્ડ રમ્યા. ગુજરાતમાં  સવર્ણો સામે બીજી જ્ઞાતિઓને મૂકવાનાં સમીકરણ રચીને ચૂંટણી જીતી શકાય છે એવી થીયરી આપી. માધવસિંહે ખામ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) મતબેંકના જોરે  1980ની ચૂંટણીમાં 141 બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો પછી કોંગ્રેસ એ જ રવાડે ચડી ગઈ.

માધવસિંહે ગુજરાતમાં ઓબીસી એટલે કે બક્ષી પંચે ભલામણ કરી હતી એ જ્ઞાતિઓ માટે 27 ટકા અનામતની જોગવાઈ કરીને ગુજરાતમાં જ્ઞાતિવાદનાં બી રોપ્યાં. માધવસિંહે હિન્દુ-મુસ્લિમોને તો સામસામે મૂક્યા જ પણ હિન્દુઓમાં પણ સવર્ણો વિરૂધ્ધ પછાત વર્ગનાં લોકોને મૂકી દીધાં. માધવસિંહે મતબેંકના રાજકારણ માટે સમાજને વિભાજીત કરી દીધો. તેના કારણે તેમને ટૂંકા ગાળામાં લાભ મળ્યો પણ તેની સામે થયેલા 1985ના આંદોલને માધવસિંહ અને કોંગ્રેસ બંનેને ગુજરાતમાં પતાવી દીધાં.

માધવસિંહની નીતિના કારણે કોંગ્રેસ સતત મુસ્લિમોની આળપંપાળમાં લાગી રહી ને તેનો લાભ લઈને ભાજપે ધીરે ધીરે હિંદુ મતબેંકને પોતાની તરફ વાળી. રામમંદિર ઝુંબેશ અને બાબરી ધ્વંશ પછી થયેલાં તોફાનોના કારણે ગુજરાતમાં હિંદુઓ સાગમટે ભાજપ તરફ વળ્યા. મુસ્લિમ બુટલેગર લતિફને કોગ્રેસ શાસનમાં પંપાળાયો તેનો પણ ભરપૂર લાભ ભાજપે લીધો ને ગુજરાતમાં ભાજપના ખિલા ઠોકાઈ ગયા. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી થયેલાં 2002નાં કોમી રમખાણોના કારણે હિંદુઓ ભાજપ તરફ જ ઢળી ગયા. કોંગ્રેસની છાપ પહેલેથી મુસ્લિમ તરફી પાર્ટીની હતી ને આ તોફાનો પછી કોંગ્રેસ પર મુસ્લિમ પાર્ટીનું લેબલ જ લાગી ગયું. પરિણામે શહેરી વિસ્તારોમાં તો એ સ્થિતી થઈ ગઈ છે કે, ભાજપ ગમે તેને ઉભો રાખે જીતી જ જાય છે.

કોંગ્રેસ પોતાની આ છાપ બદલવા પ્રયત્ન કરતી નથી.

ગુજરાતમાં 90 ટકા મતદારો હિંદુ છે તેથી કોંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની છાપ તેમને આકર્ષતી નથી. ભાજપ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોના મનમાં પડેલી આ છાપ ભૂંસાવા દેતો નથી. કોંગ્રેસના પણ દિગ્વિજયસિંહ, મણિશંકર ઐયર, ચિદંબરમ સહિતના નેતા કોંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની છાપ મજબૂત બને તેમાં યોગદાન આપે છે તેથી ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાંથી કોંગ્રેસનો જનાધાર ખસી રહ્યો છે. યુવા મતદારોને કોંગ્રેસ આકર્ષતી નથી તેથી કોંગ્રેસની મતબેંક તૂટી રહી છે.

///////////////////////////////////

ગુજરાતમાં કોંગ્રેસ માટે એક સમસ્યા નેતાગીરી પણ છે.

ગુજરાત કોંગ્રેસમાં વરસોથી છાપેલાં કાટલાં જેવા કેટલાક નેતા જામી ગયા છે. આ નેતા ખસતા નથી ને નવા યુવા લોકોને આગળ આવવા દેતા નથી. વરસો સુધી ચલકચલાણું રમીને તેમણે કોંગ્રેસને પોતાના કબજામાં રાખી અને સાવ ખોખલી કરી નાંખી. આ નેતા પોતે જીતી શકતા નથી ને જે જીતી શકે એવા છે તેમને તક આપતા નથી. અહમદ પટેલનું કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે પ્રભુત્વ વધ્યું પછી તેમણે પોતાનું વર્ચસ્વ જાળવવા પોષેલા આ નેતાઓના કારણે પણ ગુજરાતમાં કોંગ્રેસ પતી જવાના આરે આવી ગઈ છે.

કોંગ્રેસનું નવસર્જન કરવું હોય તો આ નેતાઓના વર્ચસ્વને તોડવું પડે, કોંગ્રેસની મુસ્લિમ પાર્ટી તરીકેની છાપને પણ ભૂંસવી પડે.

જગદીશ ઠાકોર આ કામ કરી શકે.

જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં નોંધપાત્ર વસતી ધરાવતા ઠાકોર સમાજના આગેવાન છે ને આપબળે આગળ આવેલા નેતા છે. વિવાદાસ્પદ નથી ને સ્વચ્છ પ્રતિભા ધરાવે છે.  ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પટ્ટશિષ્ય ચૂંટણીના મેદાનના પણ જૂના ખેલાડી છે. જગદીશ ઠાકોર જહેગાનમ વિધાનસભા બેઠક પરથી બે વાર જીતીને ધારાસભ્ય બની ચૂક્યા છે. 2009માં  પાટણ લોકસભા બેઠક પરથી જીતીને સાંસદ પણ બની ચૂકેલા જગદીશ ઠાકોર રાજકારણના જૂના ખેલાડી છે પણ ગુજરાતની પ્રજા માટે નવો ચહેરો છે. ગુજરાતનાં લોકો વરસોથી કોંગ્રેસના એકના એક નેતાઓને જોઈને ઉબાઈ ગયેલાં છે. જગદીશ ઠાકોર એ નેતાઓમાંથી નથી તેથી લોકોને આકર્ષી જાય એવું બને.

ઠાકોર પોતે ઓબીસી સમાજના નેતા છે જ્યારે વિપક્ષના નેતા બનેલા સુખરામ રાઠવા આદિવાસી નેતા છે. કોંગ્રેસ પાસે હજુ હાર્દિક પટલ છે કે જેનો પાટીદારોના એક વર્ગ પર પ્રભાવ છે. જગદીશ ઠાકોર પોતાની સંગઠનની ટીમમાં જ્ઞાતિવાદનાં સમીકરણોને ધ્યાનમાં રાખીને નિમણૂકો કરે અને સવર્ણોને કોંગ્રેસ તરફ વાળી શકે તો કોંગ્રેસનું નવસર્જન ચોક્કસ કરી શકે.