ગુજરાતના હજી કેટલાક એવા વિસ્તારો છે જ્યાં સારા રોડ રસ્તાની ખોટ વર્તાઇ રહી છે. પાકા રસ્તા ન હોય તેના કારણે કેવી દુર્ધટના સર્જાય તેવો કિસ્સો સર્જાયો હતો. જેમાં છોટાઉદેપુર જીલ્લાના તુરખેડા ગામમાં રસ્તો ન હોવાના કારણે ૧૦૮ માં જ સગર્ભાનું મોત નિપજ્યું હતું.
રાજ્યના છોટાઉદેપુરના તુરખેડા ગામમાં સગર્ભાને પીડા ઉપડતા તેઓને હોસ્પિટલમાં લઇ જવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જે બાદ સગર્ભાને પરત હોસ્પિટલ લઇને જતી વેળાએ ગામના કાચા અને પથરાળ રસ્તાના કારણે અધવચ્ચે ૧૦૮ એમ્બ્યુલન્સ ફસાઇ ગઇ હતી.
જો કે મોડું થતા સગર્ભાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો હતો. અને સમયસર હોસ્પિટલ ન પહોંચી શકવાથી સારવારના અભાવે મહિલાનું મોત થયું હતું. ત્યારે આ ઘટનાના પડઘા પડતા સરકારે તાત્કાલિક પાકો રોડ બનાવવા માટે મંજૂરી પણ આપી દીધી હતી.
૧૦૮ એમ્બ્યુલન્સ ફસાઇ જતા ગ્રામજનોએ ધક્કા મારીને હોસ્પિટલને રવાના કરી હતી. પરંતુ સમય અને રસ્તાના અભાવે સગર્ભાનું મૃત્યુ નિપજ્યું હતુ. જેને લઇ ગામમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. ઉપરાંત તંત્ર દ્વારા કરવામાં આવેલ ઘોર બેદરકારીના કારણે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.