રાજ્યમાં વધતા જતા દુષ્કર્મના બનાવો હવે એક ચિંતાનો વિષય બન્યો છે. તેમાં પણ બાળકીઓ સાથે દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધતી જઈ રહી છે. ત્યારે વધુમાં ફરી છોટાઉદેપુરના કવાંટ તાલુકાના એક ગામમાં ધોરણ ૮માં અભ્યાસ કરતી બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જાણીને તમને નવાઈ લાગશે કે શિક્ષકે જ તેની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે. જેને લઈને હાલ બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવને લઈને જા વિગતવાર વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલ એક ગામમાં આ બનાવ બન્યો છે. જ્યાં ૭ ઓગસ્ટના એક શિક્ષકે ૮માં ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને ફોસલાવીને એક હોટલમાં લઈ ગયો હતો જ્યાં તેણે વારંવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં તે ફરાર થઈ ગયો હતો.

બાળકી બાદમાં કવાંટના એસ ટી ડેપોમાં આખો દિવસ બેસી રહી હતી. રાત્રિના સમયે ત્યાં અમિત રાઠવા નામનો એક શખ્સ આવ્યો અને બાળકીને ફોસલાવીને એ જ હોટલમાં લઈ ગયો અને તેણે પણ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી અમિત રાઠવા બાળકીને પોલીસ સ્ટેશન લઈ ગયો અને કહ્યું કે ડેપોમાંથી છોકરી એકલી મળી આવી છે અને ત્યાંથી પછી તે પણ ફરાર થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે જ્યારે બાળકીએ તેની માતાને જાણ કરી ત્યારે તેણીના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સમગ્ર મામલે માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાકે આ બનાવને લઈને હાલ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.