ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે દારૂની હેરાફેરી કરનારા તસ્કરો સામે એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) પોલીસે મોટી કાર્યવાહી કરી છે. છોટાઉદેપુરથી પાવીજેતપુર તરફ જતા મોટા ટેન્કરમાંથી અંદાજે રૂ. ૨.૭૦ કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સિમેન્ટના જથ્થાની આડમાં આટલા મોટા જથ્થામાં દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે આ કાર્યવાહી થઈ છે, જેમાં પોલીસે રાજસ્થાનના બાડમેરના મહેશ જાટ નામના વ્યક્તિ ની ધરપકડ પણ કરી છે.વિગતવાર વાત કરીએ તો, એલસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પાવીજેતપુર તરફ જતા એક ટેન્કરમાં સિમેન્ટના જથ્થાની આડમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે અલગ-અલગ ટીમો તૈનાત કરી અને તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસની એક ટીમે હાઈવે પર જતા એક ટેન્કરને શંકાના આધારે રોકીને તેની તપાસ કરી હતી. દરમિયાન ટેન્કરમાં છૂટા સિમેન્ટની આડમાં છુપાવીને લઈ જવાતો દારૂનો જથ્થો પકડાઈ ગયો છે.હાલ આ મામલે પોલીસે રૂ. ૨૦,૦૦,૦૦૦ની કિંમતના ટેન્કર અને ૨.૫૦ કરોડ જેટલી કિંમતના દારૂ સહિત કુલ રૂ. ૨,૭૦,૧૪,૨૦૦ના મુદ્દામાલને કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા દારૂનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ  હતો, જેને એલસીબીએ નિષ્ફળ બનાવ્યો છે. હાલ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગેની ઊંડી તપાસ ચાલુ છે. આ માટે આરોપી મહેશ જાટ પાસેથી વધુ માહિતી મેળવવા પોલીસે તેને અટકાયતમાં લીધો છે.આ ઘટનાએ ગુજરાતમાં દારૂ તસ્કરીના નેટવર્ક સામે પોલીસની સતર્કતા દર્શાવી છે. એલસીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આવા તસ્કરો સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે અને વધુ આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં દારૂબંધીના અમલને વધુ મજબૂતી મળી છે.