છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતમાં સાત ફળીયામાં ૩૫૦૦ની વસ્તી ધરાવતા તૂરખેડા ગામમાં રોડ રસ્તા, શિક્ષણ અને આરોગ્યની સુવિધાનો અભાવ જાવા મળી રહ્યો છે, જેને લઈને આદિવાસી સમુદાયના લોકોને આરોગ્યલક્ષી સમસ્યા ઉભી થાય તો તેને ઝોળીમાં ઉંચકીને મુખ્ય માર્ગ સુધી લઈ જવું પડે છે. જયાંથી તેઓને વાહન વ્યવહારની સુવિધા મળે છે.
તૂરખેડા ગામના બસકરીયા ફળીયાની પ્રસૂતાને પ્રસવની પીડા ઉપડતા તેને ૩ કિલોમીટર સુધી ઝોળીમાં ઉંચકી હોસ્પીટલ લઈ જતી વખતે રસ્તામાં જ પ્રસૂતી થઈ ગઈ હતી અને પ્રસુતાનું મોત થયું હતું, જાકે, તેમનું બાળક જીવિત રહ્યું હતું.
આ બનાવને લઈને મીડિયાના માધ્યમોમાં પ્રસારીત થતાં ગુજરાત હાઈ કોર્ટ રાજ્ય સરકારે સુઓમોટો નોટીસ ફાટકરતા ૧૮ કરોડના ખર્ચે રોડ રસ્તા માટે મંજુર કરવામાં આવ્યા હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે, રોડ રસ્તાના કામો મંજુર થતાં, કામ શરૂ તો કરાયું પરંતુ વન વિભાગની જમીનમાં કામ અટકી જતાં રોડ બની શક્્યો નથી.
તુરખેડા ગામના બસકરીયા ફળીયામાં રહેતી ૩૫ વર્ષીય વસણીબેન રાજુભાઈ નાયકને ચાર સંતાન હોય પાંચમી પ્રસુતી માટે તે પોતાના પિયર ખૈડી ફળીયા ગયા હતા, જ્યાં તેણીને પ્રસૂતીની પીડા ઉપડતા ખૈડી ફળીયાથી ત્રણ કિલોમીટર સાવદા ફળીયા સુધી તેમને ઝોળીમાં ઉંચકીને લઈ જવાઈ હતી. જ્યાં સાવદા ફળિયાથી ૧૦૮ એમ્બ્યુલન્સ માં કવાંટ રેફરલ હોસ્પીટલ લઇ જવાયા હતા, કવાંટ રેફરલ હોસ્પિટલથી વસણીબેન નાયકને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે એસ.એસ.જી હોસ્પીટલમાં ખસેડવામાં આવતા પ્રસૂતાની પ્રસૂતી થાય તે પહેલા જ સમયસર સારવાર નહીં મળવાના કારણે મોતને ભેટી હતી, અને ગર્ભમાં રહેલા બાળકનું પણ મોત થયું હતું.
પ્રસુતાનું વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે મોત થતાં પોસ્ટમોર્ટમ કરી પરવારજનોને પ્રસુતાનો મૃતદેહ સોંપવામાં આવતા, એમ્બ્યુલન્સ મારફ્તે મોડી સાંજે પ્રસૂતાનો મૃતદેહ તુરખેડા ગામના બસકરીયા ફળીયા ખાતે આવી પહોંચતા દુર્ગમ રસ્તાને કારણે એમ્બ્યુલન્સ આગળ જઈ શકી ન હતી, તેથી પ્રસૂતાના મૃતદેહને લાકડાની ઝોળીમાં ઉંચકીને ત્રણ કિલોમીટર દૂર તેમના ઘર સુધી લઇ જવામાં આવ્યો હતો.
તુરખેડા ગામ પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે, નર્મદા નદીના કિનારે, અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યની સરહદે આવેલું ગુજરાતનું છેવાડાનું ગામ છે, જ્યાં રોડ રસ્તા, આરોગ્ય શિક્ષણ જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ હોય, ત્યારે આ ગામના સ્થાનિક લોકો કુદરતી પ્રકૃતિ વચ્ચે ભગવાન ભરોસે જીવવા પર મજબુર બન્યા છે, ત્યારે ગામ લોકો રોડ રસ્તા, શિક્ષણ અને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરી રહ્યા છે.
આ ઘટનાને લઈને ગુજરાત કોંગ્રેસે ગુજરાતની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યું હતું કે, ‘સરકારની નિષ્ફળતાને કારણે છોટા ઉદેપુર જિલ્લામાં વધુ એક માતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગુજરાત મોડલની વાતો કરતી સરકાર છેવાડાના લોકો સુધી પાયાની સુવિધાઓ પણ પુરી પાડી શકતી નથી.







































